Site icon Revoi.in

થરાદ- વાવ માયનોર કેનાલમાં 10 દિવસ પાણીનો વાયદો કર્યા બંધ કરી દેવાતાં ખેડૂતોમાં રોષ ફેલાયો

Social Share

પાલનપુરઃ બનાસકાંઠાના સરહદી થરાદ-વાવની મુખ્ય અને માયનોર કેનાલોમાં છોડવામાં આવેલા પાણી શુક્રવારથી બંધ થતાં ખેડુતોમાં રોષની લાગણી પ્રસરવા પામી હતી. 10 દિવસની જાહેરાત કરવા છતાં આઠ દિવસે પાણી બંધ કરી દેવાતાં ખેડુતોમાં નારાજગી ઊભી થઈ છે. ખેડુતો કહી રહ્યા છે, કે કેનાલોમાં પાણી તો ઘણા સમયથી આપવાનું બંધ કરી દેવામાં આવ્યું હતું પણ ખેડુતોમાં વિરોધ થતાં અને વડાપ્રધાનના કાર્યક્રમમાં ખેડુતો કોઈ વિરોધ ન કરે તે માટે કામચલાઉ કેનાલોમાં પાણી છોડવામાં આવ્યું હતું. ત્યારબાદ એકાએક કેનાલોમાં પાણી બંધ કરી દેવામાં આવ્યું છે. સિંચાઇ કરેલો પાક બળવાની નોબત અને પશુઓને પીવાની સમસ્યા સર્જાવાના આક્રોશ સાથે ખેડુતોએ વડાપ્રધાનના કાર્યક્રમમાં વિરોધ ન થાય તે માટે પાણી છોડવામાં આવ્યું હોવાનો અસંતોષ વ્યકત કર્યો હતો.

સૂત્રોના જણાવ્યા મુજબ સરહદી થરાદ-વાવ પંથકમાંથી પસાર થતી નર્મદાની મુખ્ય નહેરમાં પાણીની અછતને લઇને સરકાર દ્વારા ખેડુતોને સિંચાઈ માટે પાણી આપવાનું 31 માર્ચથી બંધ કરવામાં આવ્યું હતું. જેની વચ્ચે ભાજપ-કોંગ્રેસના સ્થાનિક નેતાઓ દ્વારા સરકારમાં પાણીની માંગ અંગે ખેડુતોની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી. લાખણી પંથકના ખેડુતોએ મહિલાઓ સાથે આવેદનપત્ર આપી આગામી મોટા કાર્યક્રમ વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. જેની વચ્ચે વાવના પુર્વ ધારાસભ્ય અને રાજ્ય સરકારના પુર્વ મંત્રી શંકર ચૌધરી અને બનાસકાંઠાના સાંસદ પરબત પટેલે પ્રયાસો કરીને રાજ્ય સરકાર તેમજ નર્મદા ઉચ્ચ અધિકારીઓને રજુઆત કરાતાં તા.30 એપ્રિલ સુધી ખેડુતોને ઘાસચારા માટે પાણી છોડવાનો નિર્ણય કરાયો હતો.. જેના કારણે કેનાલના જીવંત બનેલા પાણી ફરીથી વહેવા લાગ્યાં હતાં અને ખેડુતોએ વાવેતર પણ કર્યું હતું. જેની વચ્ચે બે દિવસ પહેલાં જ શુક્રવારથી થરાદ-વાવની તમામ માયનોર કેનાલોમાં પાણી બંધ થઇ જતાં ખેડુતોમાં ભારે રોષની લાગણી પ્રસરવા પામી હતી. હજુ ત્રણ દિવસની વાર હોઇ પાણીનો વિશ્વાસ રાખીને તે મુજબ સિંચાઇનું આયોજન કરેલ હોઇ પાણી બંધ થઇ જતાં હવે પાક બળી રહ્યો હોવાની લાગણી વ્યક્ત કરી 25 એપ્રિલ સુધી પાણી ચાલુ રાખવાની માંગણી પણ કરી હતી.