Site icon Revoi.in

ભાવનગર યાર્ડમાં ડુંગળીના ભાવ ઘટતા ખેડુતોને ખર્ચ કરેલા રૂપિયા પણ પરત મળતા નથી

Social Share

ભાવનગરઃ ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળી હાલ તો ભાવ ઘટતા ખેડુતોને રડાવી રહ્યા છે. ભાવનગર માર્કેટ યાર્ડમાં ડુંગળી ભાવ તળીયે જતાં ખેડુતોની સ્થિતિ કફોડી બની છે.  સમગ્ર ગુજરાતમાં ભાવનગર જિલ્લામાં સૌથી વધુ ડુંગળીનું ઉત્પાદન થાય છે. હાલમાં ડુંગળીના વાવેત્તર બાદ હાલ ધીરેધીરે ડુંગળી તૈયાર થઈને ભાવનગર અને મહુવા યાર્ડમાં વેચાવા આવી રહી છે. આ વર્ષે ડુંગળીના ઉત્પાદનમાં ખેડૂતોને ડુંગળીનો ઉતારો ઓછો આવ્યો છે. પરંતુ ભાવનગર જિલ્લામાં ખુબ જ મોટા પ્રમાણમાં વાવેતર થયું હોવાથી ડુંગળીની આવક યાર્ડમાં વેચાણ માટે ખુબ જ સારી થઈ રહી છે. શરૂઆતમાં ડુંગળીના ભાવ ખૂબ જ સારા હતા, પરંતુ હાલમાં ડુંગળીની આવક વધતા ડુંગળીના ભાવ   ખેડૂતોને સારા મળવાને બદલે સાવ તળીયે પહોંચી ગયા છે. ડુંગળીના ભાવ સાવ તળીયે પહોંચી જતા ભાવનગર જિલ્લાના ડુંગળીનું વાવેતર કરતા ખેડૂતો પાયમાલ થઇ જાય તેવી સ્થિતિ સર્જાઇ છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં ડુંગળીનું ઉત્પાદન સૌથી વધારે ભાવનગર જિલ્લામાં થાય છે. મહારાષ્ટ્રમાં નાસિકની જેમ ભાવનગર જિલ્લામાં તળાજા અને મહુવામાં ડુંગળીનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર થાય છે અને ડુંગળીનો મબલખ પાક આ વિસ્તાર લે છે. ભાવનગર જિલ્લામાં આ વર્ષે 18000થી વધારે હેક્ટરમાં ડુંગળીનું વાવેતર કરવામાં આવ્યુ હતું.  આ વર્ષે ડુંગળીના વાવેતર માટે બિયારણના ભાવ આસમાને રહ્યા હતા આમ છતા ખેડૂતોએ સારાભાવની આશાએ મોંઘાભાવના બિયારણ લાવી ડુંગળીનું વાવેતર કર્યું હતું. જ્યાં સુધી ડુંગળીનું ઉત્પાદન ખેતીમાંથી માર્કેટિંગયાર્ડમાં વેચાવા આવ્યું ના હતું ત્યાં સુધી ડુંગળીના ભાવ 20 કિલોએ પહોંચી ગયા હતા અને છુટક બજારમાં ડુંગળીના ભાવ કિલોના 40 રૂપિયાથી વધારે થઇ ગયા હતા, અને મણના ભાવ રૂ.600 થી 700 થઇ ગયા હતા, જેને લઈને ખેડૂતોએ આવા ભાવ મળશે તેવી આશાએ ડુંગળીના મોઘા બિયારણો લાવી વ્યાજે પૈસા લઇ નાના ખેડૂતોએ જોખમ કરી ડુંગળીને પકાવી તો ખરી પરંતુ હોશેહોશે ડુંગળી લઇ ગામડેથી ભાવનગર યાર્ડમાં વેચવા આવી વેચાણના ભાવ સાંભળી ખેડૂત ભારે નિરાશામાં મુકાયા છે અને ડુંગળીના ઉપજણના પણ ભાવ નથી મળી રહ્યા.

સૂત્રોના જણાવ્યા મુજબ આ વર્ષે પાછોતરો વરસાદ, કમોસમી વરસાદ અને ડુંગળીમાં રોગના લીધે ખેડૂતોને ભારે મુશ્કેલી પડી છે. ત્યારે ડુંગળીમાં પૈસા મળવાના બદલે પૈસા જાય તેવી ખેડૂતોની સ્થિતિ છે. જોકે હાલમાં અન્ય રાજ્યોમાં પણ નાસિક સહિત અન્ય જગ્યાઓ પર ડુંગળી વેંચાણમાં આવી જતા ગુજરાતમાંથી ડુંગળીની જાવક ઘટતા ભાવમાં ઘટાડો થયો છે. દસ દિવસ પેહલાં ડુંગળીના 20 કિલો ભાવનગર યાર્ડમાં 350થી 580 રૂપિયામાં વેચાઈ હતી. ત્યારે હાલમાં ડુંગળીના ભાવ રૂ 100થી 350 સુધી પોહચી જતા ખેડૂતોને ભારે નુકશાની વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે ખેડૂતોની માંગણી છે કે કોઈ પણ સંજોગોમાં સરકાર ખેડૂતોને નુકશાન ના જાય તેવા ટેકાના ભાવ મળે તેવું કરે, નહિતર આ વર્ષે ડુંગળી પક્વનાર ખેડૂતોને આર્થિક બહુ મોટું નુક્શાન જશે.