Site icon Revoi.in

ઉત્તર ગુજરાતમાં વરસાદ ખેંચાતા ખરીફ પાક નિષ્ફળ થવાની ભીતિ, ખેડુતો બન્યા ચિંતિત

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાના પ્રારંભે મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું હતું. અને જુન અને જુલાઈ દરમિયાન સારોએવો વરસાદ પડ્યો હતો. સૌરાષ્ટ્ર-કચ્છ, અને દક્ષિણ ગુજરાતમાં એકંદરે સારો વરસાદ પડ્યો છે. તેની સરખામણીએ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં સરેરાશ ઓછો વરસાદ પડ્યો છે. ઓગસ્ટ મહિનો એકંદરે કોરો જતાં ખાસ કરીને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ખરીફ પાકને બચાવવા ખેડુતો બોર-કૂવામાંથી પાણી મેળવીને સિંચાઈ કરી રહ્યા છે.

ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદ ઓછો થવાથી  સિંચાઈ માટે પાણીની તંગી વર્તાઈ રહી છે. બનાસકાંઠા જિલ્લામાં ખાસ કરીને સરહદી ગામડાઓમાં ખેડુતો ખરીફપાકને બચાવવા માટે પ્રયાસો કરી રહ્યા છે. ખેડૂતોએ સરકાર પાસે 10 કલાક વીજળી અથવા તો તળાવ ભરવા માટે કેનાલથી પાણી આપવાની માંગ કરી છે. છેલ્લા દોઢ મહિનાથી વરસાદ ન વરસતા ચોમાસુ સિઝનમાં વાવેતર કરેલો પાક નિષ્ફળ જવાની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે. ખેડૂતોની માંગ છે કે વીજળી 10 કલાક આપવામાં આવે અથવા તો પિયતના પાણી માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે. બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધી માત્ર 72 ટકા વરસાદ વરસતા હાલ પરિસ્થિતિ દયનિય બની છે. ચોમાસુ સિઝનનું વાવેતર કર્યાના દોઢ મહિનો પસાર થયો છતાં પણ વરસાદે દસ્તક નહીં દેતા હાલ બાજરી, મગફળી, જુવાર, ગુવાર સહિતના ચોમાસુ પાકમાં ભારે નુકસાન જવાની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે.

દૂધ સાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરીએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. આ પત્રમાં તેમણે ઉત્તર ગુજરાતમાં પાણી આપવાની માંગ કરી છે. વરસાદ ખેંચાતા પશુપાલકો અને ખેડૂતોની હાલત કફોડી બનતાં તેમણે પાણી આપવાની રજૂઆત કરી છે.

રાજ્યમાં 27 ઓગસ્ટ સુધીમાં 28 ઈંચ સાથે 81 ટકા વરસાદ થયો છે. સૌરાષ્ટ્રમાં 110 ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં 73.60 ટકા વરસાદ થયો છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદની ખોટ વર્તાઈ છે. ઉત્તર ગુજરાતમાં 67.96 અને મધ્ય ગુજરાતમાં 66.19 ટકા જ વરસાદ થયો છે. જો હજુ વરસાદ ખેંચાશે તો ખેડૂતોની હાલત કફોડી થશે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મીડિયાને જણાવ્યું કે, હાલ રાજ્યમાં સારા વરસાદની શક્યતા નહીવત છે. સપ્ટેમ્બરના બીજા સપ્તાહમાં ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં સારા વરસાદની શક્યતા છે. 13 સપ્ટોમ્બરે ઉનાળાનો અહેસાસ થાય તેવી ગરમી પડશે. 25 ઓક્ટોબર સુધી ગરમી રહેવાની શક્યતા છે.