Site icon Revoi.in

ભારતમાલા પ્રોજેક્ટમાં જમીન સંપાદનની કિંમત ઓછી દર્શાવાતા ખેડૂતોએ વ્યક્ત કરી નારાજગી

Social Share

ગાંધીનગરઃ  ઉત્તર ગુજરાતમાં થરાદથી ગાંધીનગર સુધીના ભારતમાલા પ્રોજેક્ટને લઇને ખેડૂતોમાં વિરોધ ઉઠી રહ્યો છે. ત્યારે પ્રોજેક્ટથી અસરગ્રસ્ત ખેડૂતોના પ્રશ્નોના ઉકેલ માટે તેમજ વાંધા અરજીઓના નિકાલ માટે જિલ્લાના છાલા ગામના 59 ખેડૂતોને પ્રાંત અધિકારીએ બોલાવ્યા હતા. જેમાં ખેડૂતોની જમીનની બજાર કિંમત રૂપિયા 6 કરોડની સામે સરકાર તરફથી જમીનની કિંમત રૂપિયા 1.20 કરોડ નક્કી કરવામાં આવી છે. આથી જમીનની કિંમત સહિતના વાંધાઓ ખેડૂતોએ રજૂ કર્યા હતા. જોકે સંતોષકારક જવાબ નહી મળતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ બનાસકાંઠાના ભાભરથી અમદાવાદ સુધીના ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત સિક્સલેન રોડ બનાવવામાં આવશે.  ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત રોડ બનાવવામાં ખેડુતોની કિંમતી જમીન પાણીના ભાવે જતી રહેતી હોવાથી બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી સહિતના જિલ્લાના ખેડૂતોમાં રોષ ઉઠવા પામ્યો છે. ભારતમાલા પ્રોજેક્ટને લઇને ખેડૂતો દ્વારા વિરોધ કરીને જીવ આપી દઇશું પણ જમીન નહી આપીએ તેવો લલકાર કર્યો હતો.

સૂત્રોએ ઉમેર્યું હતું કે,  ભારતમાલા પ્રોજેક્ટને લઇને ખેડૂતોના વાંધાઓના નિકાલ માટે જિલ્લાના છાલા ગામના 59 ખેડૂતોને પ્રાંત અધિકારીએ બોલાવ્યા હતા. જ્યારે બીજા 60 ખેડૂતોને આગામી સમયમાં બોલાવવામાં આવશે.  ગામના ખેડૂતોએ ભારતમાલા પ્રોજેક્ટમાં જતી જમીનનો ભાવ રાજ્ય સરકાર તરફથી રૂપિયા 1.20 કરોડ કિંમત નક્કી કરવામાં આવી છે. જ્યારે વાસ્તવમાં બજાર કિંમત રૂપિયા 6 કરોડ રૂપિયા હોવાથી ભાવને લઇને ખેડૂતોમાં પ્રથમ વિસંગતતા ઉભી થવા પામી હતી. આ ઉપરાંત ખેડૂતોએ અન્ય અનેક વાંધાઓ રજુ કર્યા હતા. જેમાં હાઇવેની બાજુમાં એપ્રોચ રોડ, વરસાદી પાણીના નિકાલ માટે ગરનાળા, હાઇવેના કારણે ટુકડા થતી જમીનનું વળતર, પાઇપલાઇનનું વળતર, બાગાયત પાકો તેમજ અન્ય ઉભા પાકોને થતાં નુકસાનનું વળતર, ઝાડ કાપી નાંખવાથી પર્યાવરણના ઉભા થતાં પ્રશ્નો સહિતના મુદ્દે ખેડૂતોએ લેખિતમાં વાંધા રજુ કર્યા હતા. જોકે અધિકારી દ્વારા ખેડૂતોના પ્રશ્નોનો યોગ્ય સંતોષકારક જવાબ નહી મળતા ખેડૂતોમાં રોષ ઉઠવા પામ્યો હોવાનું અસરગ્રસ્ત ખેડૂતોએ જણાવ્યું હતું.(file photo)