Site icon Revoi.in

ભારતમાલા પ્રોજેક્ટ, થરાદ-અમદાવાદ હાઈવે માટે જમીન સંપાદનના મામલે ખેડુતોનો વિરોધ

Social Share

ગાંધીનગરઃ ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત થરાદ-અમદાવાદ એક્સપ્રેસ હાઇવે માટે જમીન સંપાદન મામલે ખેડુતોમાં ભારે વિરોધ ઊભો થયો છે. મંગળવારે  મોટી સંખ્યામાં ખેડૂતોએ ગાંધીનગર સત્યાગ્રહ છાવણી મહસભામાં એકઠા થઈ વિરોધપ્રદર્શન કર્યું હતું. ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો કે સરકારે વિશ્વાસમાં લીધા વગર સંપાદન પ્રક્રિયા કરીને ખેડૂતોને રસ્તે રઝળપાટ કરતા કરી દીધા છે, જેથી કોઈપણ સંજોગોમાં અમારી જમીન પરત લઈને જ રહીશું.

સૂત્રોના જણાવ્યા મુજબ ભારત સરકારનો ડ્રીમ પ્રોજેકટ ભારતમાલા બનાસકાંઠાના સરહદી વિસ્તાર વાવ, સુઇગામ અને થરાદમાંથી પસાર થાય છે. ભારતમાલા પ્રોજેકટ અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાંથી 489 હેક્ટર જમીન સંપાદન કરવામાં આવી છે. જોકે આ પ્રોજેકટમાં જંત્રીના ભાવે ખેડૂતોની મોંઘી જમીન સસ્તા ભાવે સંપાદન કરતાં ખેડૂતોની હાલત કફોડી બનતાં તેઓ હવે બીજે ક્યાંય જમીન લઈ શકે એમ નથી. તેમજ પશુપાલનનો વ્યવસાય પણ કરી શકે એમ ન હોવાથી ખેડુતો આ પ્રોજેકટનો વિરોધ કરી રહ્યા છે.

ભારત માલા પ્રોજેકટનો ખેડૂતોએ વિરોધ કરીને સરકારને વારંવાર રજૂઆતો કરી હોવા છતાં સરકાર દ્વારા આજદિન સુધી ખેડૂતોની માગણીઓ સંદર્ભે કોઈ નિરાકરણ લાવવામાં આવ્યું નથી. જિલ્લા લેવલે આવેદનપત્રો આપીને થાકેલા ખેડૂતોએ મેગળવારે ગાંધીનગરમાં મોટી સંખ્યામાં એકઠા થઈને ભારતમાલા પ્રોજેક્ટનો વિરોધ નોંધાવ્યો હતો. આ અંગે ખેડૂતોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો કે 213 કિલોમીટર હાઈવેમાં 160 ગામની હજારો એકર જમીન સંપાદિત કરવાની હોવાથી હજારો ખેડૂતો જમીન હોલ્ડિંગ ગુમાવતાં ખેડૂત મટીને ખેતમજૂર બની જશે. ફેન્સિંગવાળો એક્સપ્રેસ હાઈવે બનવાનો હોવાથી જમીનના બે ટુકડા પડી જતાં ભૌગોલિક પરિસ્થિતિ બદલાઈ જશે.

ખેડૂતોએ વધુમાં ઉમેર્યું હતું કે, સુજલામ સુફલામ કેનાલના સમાંતર હાઈવે હોવાથી કેનાલના પાયા નષ્ટ થશે. જમીનના બજારભાવ કરતાં ખેડૂતોને હાલના નોટિફિકેશન મુજબ ઘણું ઓછું વળતર મળવાનું છે. વડોદરા-મુંબઈ એક્સપ્રેસ અને બુલેટ ટ્રેન પ્રોજેક્ટ મુજબના વળતરની બાંયધરી આપી નથી. જમીનની સંપાદન પ્રક્રિયા શરૂ કરાઈ હોવા છતાં સામાજિક અને નુકસાનીનો સર્વે હજુ સુધી કરાયો નથી. ઓછી જમીન સંપાદિત થાય એ માટે એલાઇમેન્ટ બદલીને ફરીથી સર્વે કરાવવો જોઈએ. કેટલા ખેડૂતો જમીનવિહોણા થશે એનો સર્વે કરાયો નથી. મિનિમમ સપોર્ટ પ્રાઈસ જમીન સંપાદન કાયદામાં લાગુ પાડવી જોઈએ. આ મુદ્દે ખેડૂતોને સાંભળવામાં નહિ આવે તો સૂચિત સંપાદન સામે લડત છેક સુધી ચલાવવામાં આવશે.