Site icon Revoi.in

નેપાળમાં ગમખ્વાર અકસ્માત: બસ ત્રિશૂલી નદીમાં ખાબકતાં 17 મુસાફરોના મોત

Social Share

કાઠમંડુ, 23 ફેબ્રુઆરી 2026: નેપાળમાં આજે વહેલી સવારે એક અત્યંત હૃદયદ્રાવક દુર્ઘટના સર્જાઈ છે. પોખરાથી કાઠમંડુ જઈ રહેલી મુસાફરોથી ભરેલી એક બસ ધાદિંગ જિલ્લામાં બેકાબૂ બનીને પૃથ્વી હાઇવે પરથી સીધી જ ત્રિશૂલી નદીમાં ખાબકતા 17 લોકોના કરુણ મોત નીપજ્યા છે, જ્યારે ૨૪થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના અહેવાલ છે. આ દૂર્ઘટનામાં મૃત્યુઆંક વધવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, આ ભયાનક અકસ્માત સોમવારે વહેલી સવારે અંદાજે 1.30 વાગ્યાના સુમારે સર્જાયો હતો. મુસાફરોને લઈને જતી આ બસ બેનીઘાટ રોરાંગ ગ્રામીણ નગરપાલિકા-૫ પાસેથી પસાર થઈ રહી હતી, ત્યારે અચાનક ચાલકે સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો. પરિણામે, બસ હાઈવે પરથી નીચે ઉતરી ગઈ હતી અને અંદાજે ૩૦૦ મીટર નીચે સીધી ત્રિશૂલી નદીમાં જઈ પડી હતી. અકસ્માત એટલો ભયાવહ હતો કે પહાડ પરથી નદી કિનારે પહોંચતા સુધીમાં બસનો સંપૂર્ણ કચ્ચરઘાણ વળી ગયો હતો.

સશસ્ત્ર પોલીસ દળ દ્વારા આપવામાં આવેલી સત્તાવાર માહિતી મુજબ, ઘટનાસ્થળેથી અત્યાર સુધીમાં 17 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે, જેમાં ૧૧ પુરુષો અને ૬ મહિલાઓનો સમાવેશ થાય છે. આ દુર્ઘટનામાં 24 થી 27 જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે, જેમને તાત્કાલિક ધોરણે નજીકની વિવિધ હોસ્પિટલોમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ઘાયલોમાં કેટલાક વિદેશી પ્રવાસીઓ અને એક નાની બાળકીનો પણ સમાવેશ થાય છે.

ઘટનાની જાણ થતાં જ વહીવટીતંત્ર હરકતમાં આવ્યું હતું. અંધારું અને દુર્ગમ પહાડી વિસ્તાર હોવા છતાં સુરક્ષા એજન્સીઓએ રાત્રે જ યુદ્ધના ધોરણે રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરી દીધું હતું. હાલમાં નેપાળ પોલીસ, આર્મ્ડ પોલીસ ફોર્સ અને આપત્તિ વ્યવસ્થાપન યુનિટના નિષ્ણાત ડાઇવર્સની ટીમ નદીમાં બચાવ અને શોધખોળ કાર્યમાં જોતરાયેલી છે. મૃતકોની ઓળખ કરવાની પ્રક્રિયા હાલ ચાલી રહી છે.

અકસ્માત પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ પ્રાથમિક તપાસમાં વળાંક પર ડ્રાઇવરે સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવ્યો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, નેપાળના ભૌગોલિક પહાડી રસ્તાઓ અને ખરાબ હવામાનને કારણે અહીં અવારનવાર આવા જીવલેણ અકસ્માતો સર્જાતા રહે છે. આ ઘટનાએ ફરી એકવાર નેપાળમાં વાહનવ્યવહાર અને મુસાફરોની સુરક્ષા સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે.

Exit mobile version