Site icon Revoi.in

પાકિસ્તાનમાં બલૂચોના વિદ્રોહને પગલે ચીનમાં ભય, તમામ શિક્ષકોને પરત બોલાવ્યાં

Social Share

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં ચીનની સાંસ્કૃતિક પ્રભાવ ફેલાવવાની ડ્રેગનની યોજનાને મોટો ફટકો પડ્યો છે. કરાચી શહેરમાં બલૂચ વિદ્રોહીઓના આત્મઘાતી હુમલામાં 3 ચીની શિક્ષકોની મોત બાદ હવે ચીને પાકિસ્તાનમાંથી પોતાના તમામ શિક્ષકોને પાછા બોલાવવાની શરૂઆત કરી છે. આ ચીની શિક્ષકો પાકિસ્તાનના ઘણા શહેરોમાં ખુલ્લી કન્ફ્યુશિયસ સંસ્થામાં ભણાવતા હતા. નિષ્ણાતોના મતે, ચીને વિશ્વભરમાં જાસૂસી અને સાંસ્કૃતિક પ્રભાવ વધારવા માટે કન્ફ્યુશિયસ સંસ્થા ખોલી રાખ્યાં છે.

કરાચી યુનિવર્સિટીના કન્ફ્યુશિયસ ઈન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર નસીરુદ્દીને જણાવ્યું કે, ચીનના શિક્ષકો તેમના દેશમાં પાછા ફર્યા છે. તેમણે કહ્યું કે, માત્ર કરાચીથી જ નહીં પરંતુ સમગ્ર પાકિસ્તાનની દરેક કન્ફ્યુશિયસ સંસ્થામાંથી ચીની શિક્ષકોને પાછા બોલાવવામાં આવ્યા છે. તેમણે ખાતરી આપી હતી કે ચીની શિક્ષકો ભલે નીકળી ગયા હોય પરંતુ સંસ્થા બંધ કરવામાં આવશે નહીં. તેમણે કહ્યું કે મેન્ડરિન ભાષા શીખવવા માટે પાકિસ્તાની શિક્ષકોની મદદ લેવામાં આવી છે.

નસીરુદ્દીને જણાવ્યું કે, આ સંસ્થામાં 500 વિદ્યાર્થીઓ ચાઈનીઝ ભાષાનો અભ્યાસ કરી રહ્યા છે. આ સંસ્થાની સ્થાપના વર્ષ 2013માં કરાચી સંસ્થા અને ચીનની સિચુઆન નોર્મલ યુનિવર્સિટી દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી હતી. સંસ્થાનો દાવો છે કે તે એક બિન-લાભકારી શૈક્ષણિક સંસ્થા છે જે મેન્ડરિન ભાષા શીખવે છે. ચીની સંસ્કૃતિ અને ચીન અને પાકિસ્તાનના લોકો વચ્ચેના સંપર્કોને પ્રોત્સાહન આપવામાં આવે છે.

નિષ્ણાતોના મતે, ચીન કન્ફ્યુશિયસ સંસ્થા દ્વારા વિશ્વભરમાં સાંસ્કૃતિક પ્રભાવ વધારવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ સાથે, ચીન તે દેશની પ્રખ્યાત યુનિવર્સિટીમાં થઈ રહેલા સંશોધન અને અન્ય તકનીકોના વિકાસ પર નજર રાખે છે. આ કારણે જાસૂસીને પ્રોત્સાહન આપવાના અહેવાલો પણ આવ્યા છે અને આ જ કારણ છે કે ભારતે ચીની સંસ્થાઓને લઈને ખૂબ જ કડક નિયમો બનાવ્યા છે.