Site icon Revoi.in

બાંગ્લાદેશમાં અજ્ઞાત બંદૂકધારીઓનો ભય, 127 નેતાઓ ઉપર ભમતુ મોત

Social Share

નવી દિલ્હી, 25 ડિસેમ્બર 2025: હિંસાગ્રસ્ત બાંગ્લાદેશમાં ઈકબાલ મંચના પ્રવક્તા ઉસ્માન ફારુક હાદી તથા અન્ય નેતા સિંકદર ઉપર અજાણ્યા બંદૂકધારીઓએ કરેલા હુમલા બાદ અન્ય રાજકીય આગેવાનોમાં ફફડાટ ફેલાયો છે. બીજી તરફ સુરક્ષા એજન્સીઓ પણ સાબદી બની ગઈ છે. દરમિયાન પોલીસ અને ગુપ્તચર એજન્સીઓએ 127 નેતાઓની યાદી તૈયાર કરી છે જેમની ઉપર મોતનો ખતરો મંડરાઈ રહ્યો છે.

પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર, અવામી લીગ અને જાતીય પાર્ટીને સિવાયના લગભગ તમામ પક્ષના નેતાઓના નામનો સમાવેશ થાય છે. જેમાં બીએનપી, જમાત-એ-ઇસ્લામી, નેશનલ સિટિઝન પાર્ટી (એનસીપી) સહિતના પક્ષોના નેતાઓનો સમાવેશ થાય છે.

સુત્રોના જણાવ્યા અનુસાર આ યાદી સરકારને સોંપવામાં આવી છે અને ભલામણ કરવામાં આવી છે કે નેતાઓના ઘરની બહાર પોલીસ સુરક્ષા પુરી પાડવી જોઈએ, તેમજ ખાનગી સુરભા પણ પુરી પાડવી જોઈએ. ગત વર્ષે જુલાઈમાં થયેલા આંદોલન સાથે જોડાયેલા નેતાઓને આ યાદીમાં પ્રાથમિકતા આપવામાં આવી છે.

સરકારે આ નેતાઓને હથિયાર ઉપલબ્ધ કરવાનો પણ નિર્ણય લીધો છે. અત્યાર સુધીમાં 73 લોકોને હથિયારના લાઈસન્સ આપવામાં આવ્યાં છે. જ્યારે 20 લોકોને હથિયાર રાખવાની મંજુરી આપવામાં આવી છે. જેમાં એનસીપીના સંયોજક નાહિદ ઈસ્લામ, અખ્તર હુસૈન, હસનત અબ્દુલ્લા, સરજિસ આલામ, નાસિરુદ્દીન પટવારી, તસનીમ ઝારા, પીપલ્સ રાઈટ્સ કાઉન્સિલના અધ્યક્ષ નૂરુલ હક નૂર અને મહાસચિવ મોહમ્મદ રાશિદ ખાન સહિતના નેતાઓનો સમાવેશ થાય છે.

ગુપ્તચર એજન્સીઓએ ચેતવણી આપી છે કે એક ચોક્કસ જૂથ આગામી 13મી રાષ્ટ્રીય સંસદની ચૂંટણી પહેલા દેશમાં અસ્થિરતા ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. અહેવાલ મુજબ, 27 નવેમ્બરથી અત્યાર સુધીમાં 10 લોકોની હત્યા થઈ ચૂકી છે. સરહદી વિસ્તારોમાં પણ તણાવ પેદા કરવાના કાવતરાંની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

બાંગ્લાદેશ પોલીસના મહાનિરીક્ષક બહારુલ આલમે જણાવ્યું હતું કે, “નેતાઓની સુરક્ષા માટે વિશેષ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. દેશની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનાર કોઈપણ વ્યક્તિ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. સંવેદનશીલ વિસ્તારો અને જનસભાઓમાં પોલીસ પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે.”

આ પણ વાંચોઃ રાષ્ટ્રપતિ દ્વારા ભારતના સંવિધાનના સંથાલી ભાષામાં પ્રથમ અનુવાદિત પુસ્તકનું વિમોચન

Exit mobile version