Site icon Revoi.in

શાળાઓમાં જૂની ફોર્મ્યુલા મુજબ ફીમાં 25 ટકા રાહત ચાલુ રહેશેઃ શાળા સંચાલકોનો વિરોધ

Social Share

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં ઘણોબધો ઘટાડો થયો છે.  શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ ગયો ગયો છે. હાલ શાળાઓ દ્વારા ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. ત્યારે રાજ્યના શિક્ષણમંત્રીએ એક રાહત આપતી જાહેરાત કરી છે. વાલીઓને ગત વર્ષની જેમ આ વર્ષે પણ 25 ટકા ફીની રાહત મળશે. ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા નવો નિર્ણય લેવામાં ના આવે ત્યાં સુધી 25 ટકા ફી માફીની રાહત યથાવત રહેશે. આ ઉપરાંત સરકાર દ્વારા સલાહ આપવામાં આવી છે કે જે વાલીઓ એક સાથે ફી ન ભરી શકે તેવા વાલીઓને શાળા સંચાલકોએ બોલાવીને હપ્તા કરી આપવા જોઈએ.

શાળાઓમાં ગત વર્ષની જેમ 25 ટકા ફીમાં રાહત આપવાથી વાલીઓને ચોક્કસપણે રાહતના થશે. પરંતુ સરકારની આ જાહેરાત પછી ખાનગી શાળા સંચાલક મંડળે વિરોધ વ્યક્ત કર્યો છે. ખાનગી શાળાના સંચાલકો દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, સરકાર ચાલુ વર્ષ માટે જો આ પ્રકારનું જાહેરનામું બહાર પાડશે તો કાયદાકીય લડત કરવામાં આવશે. નોંધનીય છે કે કોરોનાને કારણે શાળાઓમાં શૈક્ષણિક કાર્ય ઓનલાઈન ચાલી રહ્યું છે. આ કારણે ગયા વર્ષે વાલીઓએ ફીમાં રાહત આપવાની માંગ કરી હતી અને સરકાર દ્વારા 25 ટકા માફી આપવાની જાહેરાત કરવામાં આવી હતી. નવા શૈક્ષણિક વર્ષમાં ફીનો મુદ્દો ફરી ચર્ચામાં છે. વાલીઓએ પણ આ વર્ષે ફી માફીની માગ કરી છે. શિક્ષણમંત્રીએ સ્કૂલોની ફીને લઇને સ્પષ્ટતા કરી હતી કે, નવો નિર્ણય ન થાય ત્યાં સુધી જૂની ફોર્મ્યુલા પ્રમાણે સ્કૂલ ફીમાં 25 ટકા રાહત ચાલુ રહેશે. સંચાલકોએ સ્પષ્ટ કર્યું હતું કે જો આ વર્ષે સરકાર ફી માફીની જાહેરાત કરશે તો અમારે કાનૂની પગલા લેવા પડશે.

શિક્ષણ વિભાગ તરફથી નવા શૈક્ષણિક વર્ષ માટેની ફી અંગે કોઇ સ્પષ્ટતા કરી નથી. તેથી સંચાલકો નવા સત્રની પૂરી ફી ઉઘરાવે છે. શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, નવો નિર્ણય ન થાય ત્યાં સુધી જુની ફોર્મ્યુલા પ્રમાણે સ્કૂલ ફીમાં 25 ટકા રાહત ચાલુ રહેશે. નવો નિર્ણય આવનારા સમયમાં લેવાશે. ત્યાં સુધી જુની ફોર્મ્યુલા લાગુ રહેશે. શિક્ષણમંત્રીના નિવેદન બાદ સંચાલકો મંડળના હોદ્દેદારોની ઓનલાઇન મીટિંગ યોજાઇ હતી. જેમાં સ્પષ્ટતા કરાઇ છે કે શિક્ષણમંત્રીના ફી માફીના નિવેદન સાથે અમે સંમત નથી. વર્ષ 2020-21 માં અમે 25 ટકા ફી માફ કરી હતી. જો સરકાર ચાલુ વર્ષે પણ ફી માફી અંગેનું જાહેરનામુ બહાર પાડશે તો ન છૂટકે શાળા સંચાલક મહામંડળને કાનૂની પગલાં લેવા પડશે.

Exit mobile version