Site icon Revoi.in

પશ્ચિમ એશિયામાં ભીષણ યુદ્ધના એંધાણ: અમેરિકી સેનાની જંગી તૈયારી

Social Share

વોશિંગ્ટન, 1 મે 2026: પશ્ચિમ એશિયામાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલો તણાવ હવે ચરમસીમાએ પહોંચ્યો હોય તેવું લાગી રહ્યું છે. અમેરિકી સેના પશ્ચિમ એશિયામાં લાંબા સમય સુધી ચાલે તેવા યુદ્ધની તૈયારી કરી રહી છે. અમેરિકી નેવી તેના જહાજો દ્વારા સતત ઈંધણ, ખોરાક અને અત્યાધુનિક હથિયારોનો જથ્થો આ વિસ્તારમાં મોકલી રહી છે. અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી તસવીરો આ ભયાનક તૈયારીઓની સાક્ષી પૂરે છે.

રિપોર્ટ્સ મુજબ, અમેરિકાએ છેલ્લા 24 કલાકમાં ઈઝરાયેલને 6,500 ટનથી વધુ દારૂગોળો, મિલિટરી ટ્રક અને જોઈન્ટ લાઈટ ટેક્ટિકલ વ્હીકલ્સ મોકલ્યા છે. ઈરાન સાથે યુદ્ધ શરૂ થયા બાદથી અત્યાર સુધીમાં અમેરિકાએ કુલ 1,15,600 ટન હથિયારો ઈઝરાયેલને આપ્યા છે. આ આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે કે અમેરિકા ઈરાન વિરુદ્ધ કોઈ મોટું સૈન્ય અભિયાન શરૂ કરવાની ફિરાકમાં છે.

અહેવાલ મુજબ, સેન્ટકોમ કમાન્ડર એડમિરલ બ્રેડ કૂપરે વ્હાઇટ હાઉસમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરી હતી. આ બેઠકમાં ઈરાન પર સંભવિત હુમલાના વિવિધ વિકલ્પો રજૂ કરવામાં આવ્યા હતા. જો ટ્રમ્પ મંજૂરી આપે, તો અમેરિકા ઈરાન પર એક નાનો પણ અત્યંત ઘાતક હુમલો કરી શકે છે, જેમાં ઈરાનનું સૈન્ય માળખું, મહત્વના નેતાઓ અને સંરક્ષણ પ્રણાલીઓને નિશાન બનાવવામાં આવશે.

અમેરિકા આ વખતે ઈરાનને બક્ષવાના મૂડમાં નથી. અહેવાલો મુજબ, અમેરિકી સેના તેના અત્યંત આધુનિક હથિયાર ‘ડાર્ક ઈગલ’ હાઈપરસોનિક મિસાઈલનો ઉપયોગ કરવા પર વિચાર કરી રહી છે. આ મિસાઈલ સેકન્ડોમાં દુશ્મનનો નાશ કરવાની ક્ષમતા ધરાવે છે. બીજી તરફ, ઈરાન સીઝફાયરની આડમાં અગાઉના હુમલામાં કાટમાળ નીચે દબાઈ ગયેલા હથિયારો અને મિસાઈલોને ફરી બહાર કાઢી રહ્યું હોવાના પણ અહેવાલ છે.

ગુરુવારે રાત્રે ઈરાનની રાજધાની તેહરાનમાં એર ડિફેન્સ સિસ્ટમ સક્રિય થવાના અહેવાલો મળ્યા છે. ઈરાની મીડિયા ‘તસનીમ’ મુજબ, નાના ડ્રોન અથવા જાસૂસી વિમાનોને તોડી પાડવા માટે આ સિસ્ટમ કાર્યરત કરવામાં આવી હતી. જો કે, આ કોઈ કવાયત હતી કે વાસ્તવિક ખતરો, તે હજુ સ્પષ્ટ થયું નથી. અમેરિકી અધિકારીઓનું માનવું છે કે જો હુમલો થશે, તો ઈરાન પડોશી દેશો પર ડ્રોન હુમલા કરી શકે છે.

આ પણ વાંચોઃ NCB એ મુંબઈમાં એક મોટા આંતરરાષ્ટ્રીય ડ્રગ રેકેટનો પર્દાફાશ કર્યો: ગૃહમંત્રી અમિત શાહ

Exit mobile version