Site icon Revoi.in

ગુજરાતમાં FIFAનો ફુટબોલ ફોર સ્કુલ્સ પ્રોગામ, શાળાઓને 10600 ફુટબોલનું વિતરણ કરાશે

Social Share

અમદાવાદઃ ગુજરાતની શાળાઓમાં હવે સ્પોર્ટ એક્ટિવિટી વધતી જાય છે. બાળકોમાં હવે સ્પોર્ટ પ્રત્યેની રૂચિ જોવા મળી રહી છે. ત્યારે શાળાના બાળકોમાં ફૂટબોલની રમતને પ્રોત્સાહન આપવા માટે, શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ, ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશન (AIFF) અને ફેડરેશન ઈન્ટરનેશનલ ડી ફૂટબોલ એસોસિએશન (FIFA)ના ઉપક્રમે ‘ફૂટબોલ ફોર સ્કૂલ્સ’નો પ્રારંભ કરાયો છે. ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન (GSFA) વિવિધ નવોદય વિદ્યાલય સમિતિ(સમિતિઓ)ના માધ્યમથી ફૂટબોલના વિતરણ પર દેખરેખ રાખશે અને સંકલન કરશે. આ કાર્યક્રમ હેઠળ ગુજરાતના 33 જિલ્લાની શાળાઓ ટૂંક સમયમાં ફૂટબોલ મેળવશે. એટલે કે શાળાઓમાં 10,600 ફુટબોલનું વિતરણ કરાશે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતની વિવિધ નવોદય વિદ્યાલય સમિતિ (NVS) ગુજરાતમાં 10,600 ફૂટબોલનું વિતરણ કરશે. રાજ્યમાં ફૂટબોલના વિતરણનો કાર્યક્રમ NVS દ્વારા 31મી જાન્યુઆરી 2024ના રોજ 33 NVS ખાતે યોજાશે. વિવિધ જિલ્લાના GSFA ના સભ્યો AIFFના પ્રતિનિધિ તરીકે વિતરણ કાર્યક્રમમાં હાજરી આપશે. અગાઉ 30 ઓક્ટોબર 2022ના રોજ શિક્ષણ મંત્રાલય, AIFF અને FIFA વચ્ચે એક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. જવાહર નવોદય વિદ્યાલયને F4S કાર્યક્રમ માટે નોડલ સંસ્થા બનાવવામાં આવી હતી. F4S એ સમગ્ર વિશ્વમાં લગભગ 700 મિલિયન બાળકોના શિક્ષણ, વિકાસ અને સશક્તિકરણમાં યોગદાન આપવાનું લક્ષ્ય રાખ્યું છે. તે સંબંધિત સત્તાવાળાઓ અને હિતધારકો સાથે ભાગીદારીમાં, શિક્ષણ પ્રણાલીમાં ફૂટબોલ પ્રવૃત્તિઓનો સમાવેશ કરીને છોકરાઓ અને છોકરીઓ બંને માટે ફૂટબોલને વધુ સુલભ બનાવવા માંગે છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, શિક્ષણ મંત્રાલય દ્વારા તૈયાર કરવામાં આવેલો મિનિટ ટુ મિનિટ પ્રોગ્રામ, સંપર્ક વિગતો સાથે સંબંધિત નવોદય વિદ્યાલયના સરનામાં વગેરે સંબંધિત જિલ્લા ફૂટબોલ એસોસિએશનો સુધી પહોંચાડવામાં આવ્યા છે. જેઓ GSFA/AIFFનું પ્રતિનિધિત્વ કરશે. તેઓ રાજ્યમાં ફૂટબોલની રમતને મજબૂત કરવાની અનિવાર્ય જરૂરિયાત વિશે ટૂંકમાં સમજાવશે. ફૂટબોલ ફોર સ્કૂલ્સ (F4S) પ્રોગ્રામનો ઉદ્દેશ જાતિગત ભેદભાવને ધ્યાનમાં લીધા વિના, વિદ્યાર્થીઓ માટે ફૂટબોલની સુલભતાને નોંધપાત્ર રીતે વિસ્તૃત કરવાનો છે તેમજ વિવિધ ભાગીદારો સાથે મળીને શિક્ષણ પ્રણાલીમાં ફૂટબોલ સંબંધિત પ્રવૃત્તિઓને એકીકૃત રીતે સંકલિત કરવાનો છે. આ કાર્યક્રમ ગુજરાતમાં ફૂટબોલને પ્રોત્સાહન આપવા માટે એક જબરદસ્ત પ્રેરણા પૂરી પાડનાર તથા જુસ્સો વધારનારું પગલું સાબિત થશે. (File photo)