Site icon Revoi.in

ડીસા તાલુકામાં 38 તળાવો નર્મદાના નીરથી ભરવાનો પ્રારંભ, ઉનાળામાં ગ્રામજનોને રાહત મળશે

Social Share

ડીસાઃ  બનાસકાંઠાના ડીસા તાલુકામાં ઉનાળાના આગમન સાથે જ તળાવો સુકાઈ ગયા હતા. ત્યારે તાલુકાના 38 તળાવો નર્મદાના નીરથી ભરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. અને સૌ પ્રથમવાર નર્મદાના નીરથી તળાવો ભરવામાં આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. નર્મદાના નીરના વધામણા પ્રસંગે  ધારાસભ્ય પ્રવીણ માળી સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. નર્મદાના નીરથી તળાવો ભરાતા પાણીના તળ પણ ઉપર આવશે. અને તાલુકામાં પાણીની સમસ્યા હળવી બનશે.

બનાસકાંઠાના સૂકા ભટ્ટ વિસ્તારને પણ હરિયાળો બનાવવા માટે સરકાર દ્વારા અનેકવિધ યોજનાઓ બનાવી છે. જે અંતર્ગત નર્મદા નહેરમાંથી સુજલામ સુફલામ પાઇપ લાઇન દ્વારા પંપીંગ કરી પાણી સીપુ ડેમમાં પાણી નાખવાની યોજનાનો પણ બુધવારથી પ્રારંભ થયો હતો. જે અંતર્ગત આ પાઇપલાઇનમાંથી ડીસા તાલુકાના 38 તળાવોમાં પણ નર્મદાનું પાણી નાખવામાં આવ્યું છે. ડીસા તાલુકાના અનેક ગામડાઓમાં પાણીના તળ ખુબ જ ઊંડા પહોંચી ગયા છે અને દિવસને દિવસે પાણીના તળ ઊંડા જતા સિંચાઈની ખૂબ જ મોટી સમસ્યા શરૂ થઈ હતી, પરંતુ હવે રણ જેવો વિસ્તાર બનવાની કગાર પર પહોંચેલા ગામડાઓના તળાવમાં નર્મદાનું પાણી પહોંચતા જ ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે.

ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી સહિત ગામના લોકોએ નર્મદાના પાણીના ફુલહાર, કંકુ અને અક્ષતથી વધામણા કર્યા હતા. તેમજ આવનાર સમયમાં આ વિસ્તાર હરિયાળો બને તે માટે આશાવાદ વ્યક્ત કર્યો હતો. ધારાસભ્ય પ્રવીણ માળીએ જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુજલામ સુફલામ પાઇપ લાઇન દ્વારા પંપિંગ કરીને નર્મદા નહેરમાંથી પાણી સીપુ ડેમમાં પહોંચાડવાની યોજનાની શરૂઆત કરી છે. જે અંતર્ગત ડીસા તાલુકાના 38 જેટલા તળાવમાં પણ આ પાણી નાખવામાં આવ્યું છે. પાણી આવતા જ ગામના લોકો ખુશ ખુશાલ થઈ નર્મદાના પાણીના વધામણા કર્યા હતા. સાથે જ આવનાર સમયમાં હજુ પણ 52 તળાવો નીમ કરી તેમાં પણ નર્મદાનું પાણી નાખવામાં આવશે. આમ ડીસા તાલુકાના કુલ 90 તળાવોને નર્મદાના પાણીથી ભરવામાં આવશે. જેથી આવનાર સમયમાં ડીસાનો સૂકો વિસ્તાર પણ હરિયાળો બનશે અને સિંચાઈ માટે ખેડૂતોની પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે