Site icon Revoi.in

ગાંધીનગર જિલ્લામાં સ્ટેમ્પ ડ્યુટી કચેરીઓમાં દસ્તાવેજોનો ભરાવો, બાર એસો.ની રજુઆત

Social Share

ગાંધીનગરઃ  જિલ્લા કલેક્ટર કચેરી સ્થિત સ્ટેમ્પ ડ્યુટી કચેરીમાં વેચાણ દસ્તાવેજોના ભરાવા સામે ગાંધીનગર બાર એસોસિએશને રજુઆત કરી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ દરકાર લેવામાં આવતી નથી. અરજદારો અને તેમના વકિલોને ફોર્મ 43 મુજબ માગેલી નકલો સમય મર્યાદામા મળતી નથી. પરિણામે વકીલોને અપીલ અને રિવિઝન કરવામાં સમસ્યાનો સામનો કરવો પડે છે. જ્યારે પ્રાંત અધિકારી દ્વારા તકરારી અને આરટીએસ કેસના બોર્ડ સાથે રખાય છે. તે સમસ્યાનું પણ નિરાકરણ લાવવા ગાંધીનગર બાર એસોસિએશન દ્વારા માંગ કરવામાં આવી છે.

ગાંધીનગર બાર એસોસિએશનના પ્રમુખ સંજયસિંહ વાઘેલાએ જણાવ્યુ હતુ કે, ગાંધીનગરની સ્ટેમ્પ ડ્યુટી કચેરીમાં વકીલોને પડતી હાલાકીનુ નિરાકરણ લાવવામાં આવતું નથી. જનસેવામા એક પખવાડીયાથી ટોકન પ્રથા અમલમા મુકાઈ છે. પરિણામે લાંબી કતારો જોવા મળે છે. જ્યારે એક વખત નંબર આવી ગયા પછી જો ટોકન લેનારા હાજર ના હોય તો તેને કોઇ નોંધ અપાતી નથી. પ્રાંત અધિકારી સમયસર હાજર હોવા છતા કેસના ભારણના કારણે વકીલોને રાહ જોવી પડે છે.

એસોના સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, સબ રજીસ્ટ્રાર કચેરી ગાંધીનગર, કલોલ અને દહેગામમા રોજના 150થી 200 દસ્તાવેજોની નોંધણી નિયત કરાઇ છે. પરંતુ બિલ્ડરના મળતીયા મારફતે સબ રજિસ્ટ્રાર કચેરીમા વકીલોને અગ્રીમતા અપાતી નથી. બાર એસોસિએશનના હોદ્દેદારો દ્વારા આક્ષેપ કરાયો છે કે, આર્થિક વ્યવહાર આપવામા ના આવે ત્યા સુધી દસ્તાવેજોમાં ભૂલો કઢાય છે અને પાવર ઓફ એટર્નીના દસ્તાવેજોમાં ભૂલો કાઢી નોંધણી કરતા નથી.

ગાંધીનગર જિલ્લાના વકીલ અને પક્ષકારોને સરકારના નિયમો મુજબ કોઇ જ પ્રકારની મદદ કરાતી નથી. જ્યારે મૂલ્યાંકન અધિકારી કામના ભારણના લીધે તેમની સાથે મુલાકાત અને ફરિયાદ પણ કરવા દેતા નથી. અધિકારી અને કર્મચારીઓ દ્વારા મનઘડત કારણો આપી ખોટા પરિપત્ર આગળ કરીને વકીલોને ધક્કા ખવડાવવામા આવે છે. જેને લઇને ગાંધીનગર કલેક્ટરને આ બાબતની લેખિત ફરિયાદ કરવામા આવી છે, જો તેમની ફરિયાદો ઉપર ધ્યાન આપવામા નહિ આવે તો આગામી સમયમા અણધાર્યુ પરિણામ આપવામાં આવશે તેવી ચિમકી ઉચ્ચારી હતી.