Site icon Revoi.in

અમદાવાદમાં ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે આજે અંતિમ T-20, બંને ટીમ જીતના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે

Social Share

અમદાવાદઃ શહેરમાં વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે આજે પાંચમી અને અંતિમ ટી-20 મેચ રમાશે. અગાઉ બંને ટીમ 2-2 મેચ જીતી હોવાથી આજની અંતિમ મેચ ફાઈનલ બની રહેશે. પાંચમી ટી-20 મેચને લઈને ક્રિકેટ પ્રેમીઓમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બંને ટીમો આજે જીતના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે.

સુત્રોના જણાવ્યા અનુસાર ભારત અને ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમ વચ્ચે હાલ ટી-20 સિરીઝ ચાલી રહી છે. અમદાવાદના નરેન્દ્ર મોદીમાં ચારેય મેચ રમાઈ હતી. જેમાં બે મેચમાં ઈંગ્લેન્ડ અને બે મેચમાં ભારતીય ટીમનો વિજય થયો હતો. આજે સાંજે બંને ટીમ વચ્ચે અંતિમ અને પાંચમી ટી-20 મેચ રમાશે. T20 ઇન્ટરનેશનલ પિચ પર સિરીઝની નિર્ણાયક લડાઇમાં ભારત વર્ષ 2016-17 થી અત્યાર સુધી ઇંગ્લેંડ સામે હાર્યુ નથી. ભારત અને ઇંગ્લેંડ બંને આમ તો એક બીજાથી કમ નથી. તમામ પ્રકારે બંને ટીમો મજબૂત છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતના પ્રવાસે આવેલી ઈંગ્લેન્ડની ટીમને ભારતીય ટીમે ટેસ્ટ સિરીઝમાં 2-1થી પરાજીત કરી છે. તેમજ આગામી દિવસો બંને દેશની ક્રિકેટ ટીમ વચ્ચે વન-ડે સિરીઝ રમાશે. ભારતમાં કોરોનાની બીજી લહેરમાં પોઝિટિવ કેસમાં વધારો થયો છે. જેથી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં દર્શકો વિના ટી-20 સિરીઝ રમાઈ રહી છે.