Site icon Revoi.in

વડોદરાના પાદરા પાસે આવેલી કંપનીમાં ભાષણ આગ ફાટી નિકળી, મેજરકોલ જાહેર કરાયો

Social Share

વડોદરાઃ  જિલ્લાના પાદરાના મહુવડ ગામ પાસે આવેલી એક કંપનીમાં ગત મોડી રાત્રે ભીષણ આગ ફાટી નિકળી હતી.  અને જોતજોતામાં આગે વિકરાળ રૂપ ધારણ કર્યું હતું. અને સમગ્ર કંપની બળીને ખાક થઈ ગઈ હતી. જોકે, સદનસિબે બનાવમાં કોઇ જાનહાનિ થઈ નથી. આગને કાબુમાં લેવા ફાયરબ્રિગેડે ભારે જહેમત ઉઠાવી હતી. અને મેજર કોલ જાહેર કરાયો હતો. અને વડોદરા સહિતના ફાયર ફાયટરોએ સતત 6 કલાક સુધી પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લીધી હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ વડોદરા જિલ્લાના પાદરાના મહુવડ ગામની ચોકડી પાસે આવેલી એક કંપનીમાં ગત મોડી રાત્રે 1 વાગ્યાની આસપાસના સમયે આગ ફાટી નિકળી હતી. આ બનાવની જાણ થતાં જ પાદરા અને આજુબાજુની કંપનીઓના ફાયરબ્રિગેડની ટીમ આગને કાબૂમાં લેવા માટે આવી પહોંચી હતી. પરંતુ આગ એટલી ભયાનક હતી કે કાબૂમાં લાવવી મુશ્કેલ હતી. જેથી મેજર કોલ જાહેર કરાતા વડોદરાથી રાત્રે 2 વાગ્યે ફાયર બ્રિગેડની ટીમ પણ આગ બૂઝાવવા માટે પહોંચી હતી. કેમિકલની કંપની હોવાથી આગને કાબુમાં લેવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી. આગ સમગ્ર કંપનીમાં ફેલાઇ ગઇ હતી અને આગને કારણે કેમકલના જથ્થામાં વારંવાર બ્લાસ્ટ થઇ રહ્યા હતા. જેથી કંપની બળીને ખાક થઇ ગઇ હતી. વડોદરા સહિત સ્થાનિક ફાયરબ્રિગેડની ટીમો દ્વારા આગ પર કાબૂ મેળવવા માટે સતત પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. ત્યારે છ કલાકની જહેમત બાદ આગ ઓલવાઇ હતી. જો કે રાહતની વાત એ છે કે આ બનાવમાં કોઇને જાનહાનિ થઈ ન હતી.