Site icon Revoi.in

માલીમાં પાંચ ભારતીય નાગરિકોનું અપહરણ, છોડાવવા માટે વિદેશ મંત્રાલય સક્રિય

mali

mali - પ્રતીકાત્મક તસવીર

Social Share

આફ્રિકન દેશ માલીમાં પાંચ ભારતીય નાગરિકોનું અપહરણ થયું હોવાનું જાણવા મળે છે. વિદેશ મંત્રાલય દ્વારા આજે સોમવારે આ અંગે જાણકારી આપવામાં આવી હતી. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, માલીના બોકારોસ્થિત ભારતીય દૂતાવાસ આ ભારતીયોને છોડાવીને સલામત રીતે પરત લાવવા સતત સક્રિય છે.

વિદેશ મંત્રાલયે કહ્યું કે, અપહરણની આ ઘટના છ નવેમ્બરને ગુરુવારે બની હતી. આ ઘટના જ્યાં બની તે વિસ્તારમાં છેલ્લા કેટલાક વર્ષથી સશસ્ત્ર દળો દ્વારા નિયમિત હુમલા અને અપહરણ થઈ રહ્યાં છે.

એક X પોસ્ટમાં માલીસ્થિત ભારતીય દૂતાવાસે કહ્યું કે, ગત છ નવેમ્બરે આપણા નાગરિકોના અપહરણની કમનસીબ ઘટનાથી દૂતાવાસ વાકેફ છે અને તેમને છોડાવવા માટે સત્તાવાળાઓ ઉપરાંત સંબંધિત કંપની સાથે સતત સંપર્કમાં છે. તેમને શક્ય તેટલા વહેલા સલામત રીતે છોડાવવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

આ ઘટનાના સંદર્ભમાં વિદેશ મંત્રાલય એ ક્ષેત્રના અન્ય વિદેશી મિશનો તેમજ અન્ય સંબંધિત લોકો સાથે પણ સંપર્કમાં છે. પાંચ ભારતીયોને ઝડપી અને સલામત રીતે મુક્ત કરાવવા માટે તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે તેમ જણાવી વિદેશ મંત્રાલયે કહ્યું કે, પરિસ્થિતિ ઉપર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.

વાસ્તવમાં પશ્ચિમ આફ્રિકાનો આ દેશ માલી દુનિયાના સૌથી અસ્થિર અને હિંસાથી પ્રભાવિત દેશો પૈકી એક છે. માલીમાં કેટલીય વખત સત્તા ઉથલાવી પાડવાના પ્રયાસ થઈ ચૂક્યા છે. ત્યાં અલકાયદા તેમજ ઈસ્લામિક સ્ટેટ સાથે સંકળાયેલા જેહાદી જૂથોનું પ્રભુત્વ પણ વધી રહ્યું છે. આ સંજોગોમાં વિદેશથી અહીં કામ કરતા આવતા લોકોના અપહરણની ઘટનાઓ નિયમિત રીતે બનતી રહે છે. ખાસ કરીને કેન્દ્રીય અને ઉત્તર માલીમાં આ જૂથો વધુ સક્રિય છે.

Exit mobile version