Site icon Revoi.in

કચ્છના હરામીનાળામાં વધુ પાંચ બિનવારસી પાકિસ્તાની માછીમારી બોટ પકડાઇ

Social Share

ભુજઃ પાકિસ્તાનની ભૂમિ અને જળસીમાની તદ્દન નજીક આવેલા સરહદી કચ્છના ઘૂસણખોરી અને દેશમાં નાપાક હરકતો માટે કુખ્યાત વિસ્તાર તરીકે ઓળખાતા અતિ સંવેદનશીલ અને દુર્ગમ હરામીનાળા વિસ્તારની નજીકના બોર્ડર પોસ્ટ 1165 અને 1166 પાસેની ટ્રાઈ જંક્શન પોસ્ટ પાસે હજુ ગુરૂવારે સરહદી સલામતી દળ દ્વારા દસ જેટલી બિનવારસુ માછીમારીની બોટ અને ચાર જેટલા ઘૂસણખોરો ઝડપી લેવાયા બાદ, શુક્રવારે  સિરક્રીક, હરામીનાળા વિસ્તારમાં પેટ્રોલિંગ દરમ્યાન વધુ પાંચ જેટલી પાકિસ્તાની બિનવારસી બોટ મળી આવતાં કુલ ઝડપાયેલી બોટની સંખ્યા 15 થઇ છે. જપ્ત કરાયેલી બોટોની ગહન તલાશી લેવાઇ હતી. જેમાંથી માછલીઓ માછીમારી જાળી સહિતના સાધનો મળી આવ્યા હતાં. આ  સિવાય કોઇ સંદિગ્ધ સામાન મળી આવ્યો નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા એક સપ્તાહમાં 18 જેટલી પાકિસ્તાની ફિશિંગ બોટને અત્યંત સંવેદનશીલ એવા અરબી સમુદ્રના હરામીનાળા વિસ્તારમાંથી ઝડપવામાં આવી હતી અને આ વિસ્તારમાં મોટી સંખ્યામાં ઘૂસણખોરો ઘૂસ્યા હોવાની દહેશત ઉભી થવા પામી છે અને તેમને ખોળી કાઢવા માટેના સર્ચ ઓપરેશનને વધુ વ્યાપક બનાવવામાં આવ્યું છે.

સૂત્રોના જણાવ્યા મુજબ કચ્છના હરામી નાળાંમાંથી ગુરૂવારે વહેલી સવારે 11 પાકિસ્તાની નૌકા સાથે ચાર ઘૂસણખોરને સીમા સુરક્ષા દળના લપાઇને બેઠેલા જવાનોએ દબોચી લીધા હતા. ત્યારબાદ હાલમાં વધુ પાંચ બોટ મળી આવી હતી. વરસાદની મોસમ હોવાથી ભારતીય માછીમારો માટે દરિયો ખેડવાની મનાઇ છે ત્યારે પાકિસ્તાની માછીમારો સારી તથા વધુ માછલીની લાહ્યમાં સરહદ ઓળંગીને ભારતીય સીમામાં ઘૂસી આવે છે. આ જ બાબતને ધ્યાનમાં રાખીને બીએસએફના અમ્બુશ દળને સઘન ચોકી પહેરા માટે હરામી નાળાંમાં ગોઠવી દેવાયા છે. ગુરૂવારે  વહેલી સવારે ભારત-પાકિસ્તાન સીમાના બોર્ડર પિલર નંબર 1165 અને 1166 વચ્ચે શંકાસ્પદ હિલચાલ અમ્બુશ દળની નજરે ચડતાં જવાનોએ તુરંત આખા વિસ્તારની ઘેરાબંધી કરીને દશ પાકિસ્તાની બોટ સાથે ચાર પાકિસ્તાની માછીમાર ઘૂસણખોર એવા ગુલામનબી મામદ ઇસ્માઇલ, અસગરઅલી મામદ ઈસ્માઇલ, મામદ મુસા મીરમામદ અને ગુલશેર દાદમોહમ્મદ (રહે. તમામ જીરો પોઇન્ટ, જતી, સુજાવલ-પાકિસ્તાકન)ને દબોચી લીધા હતા.
અત્રે નોંધનીય છે કે, હજુ પંદર-સત્તર દિવસ પૂર્વે જ હરામી નાળાંમાંથી બીએસએફના જવાનોએ નવ બોટ ઝડપ્યા બાદ’ આ વિસ્તારને કોર્ડન કરી દીધો હતો અને રણ માર્ગેથી સામે પાર ભાગવા જતાં બે માછીમારો ઝડપાઇ ગયા હતા. આ માછીમારોને પકડવા માટે બે રાઉન્ડ ગોળીબાર થયો હતો જેમાં પગમાં ગોળી વાગતાં બે માછીમાર ઝડપાઇ ગયા હતા. જ્યારે અન્ય નાસી છૂટયા હતા. ઝડપાયેલી  બોટ તથા માછીમારોની તલાશી લેતાં માછીમારીના સાધનો સિવાય કોઇ સંદિગ્ધ વસ્તુ મળી ન હતી. દરમ્યાન હરામી નાળાં વિસ્તારમાં સીમા સુરક્ષા દળના જવાનો દ્વારા હજુ પણ તલાશી અભિયાન જારી જ હોવાનું બીએસએફ ગુજરાત ફ્રન્ટિયરના જનસંપર્ક અધિકારીની યાદીમાં જણાવાયું છે.