Site icon Revoi.in

કલોલના ખાત્રજમાં ફાર્મા કંપનીના ઈટીપી પ્લાન્ટની ટાંકીમાં ઉતરેલા પાંચ શ્રમિકોના મોત

Social Share

ગાંધીનગરઃ  જિલ્લાના કલોલ તાલુકાના ખાત્રજ ખાતે આવેલી દવા બનાવતી એક ફાર્મા કંપનીના દૂષિત પાણીના રિસાઈકલિંગ માટેની ઈટીપી ટેન્કની સફાઈ માટે ઉતારેલા એક મજૂરને બચાવવા માટે એક પછી એક ચાર લોકો અંદર ઊતર્યા હતા. ત્યારે પાંચેય મજૂરોને જીવ ગુમાવવાનો વખત આવ્યો છે. આ બનાવની જાણ થતાં ગાંધીનગર ફાયરબ્રિગેડના જવાનોએ તરત ઘટનાસ્થળે દોડી જઈ પાંચેય મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા. બનાવની જાણ થતાં પોલીસ સહિતનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો.મૃતદેહોને પીએમ માટે મોકલીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ કલોલના ખાત્રજની જીઆઈડીસીમાં આવેલી એક ફાર્મા   કંપનીમાંથી નીકળતા દૂષિત પાણીને રિસાઈકલિંગ કરવા માટે અત્રે ETP પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે. અહીં દૂષિત પાણીને પ્રોસેસ કરીને ફરી વખત ઉપયોગમાં લેવામાં આવે છે.સદિવાળીના તહેવાર નિમિત્તે પ્લાન્ટનો ઓપરેટર રજા પર ગયો છે. જ્યારે દિવસ દરમિયાન સુશીલ ગુપ્તા અને રાત્રે રામસિંહ પાંડે સિક્યોરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવે છે. ત્યારે આજે પ્લાન્ટના હોજને સાફ કરવા માટે વિનયકુમાર નામનો મજૂર સીડી મૂકીને અંદર ઊતર્યો હતો. આ દરમિયાન અચાનક તેણે બૂમાબૂમ કરતાં સુનીલ ગુપ્તા તેને બચાવવા માટે હોજમાં ઊતર્યો હતો. તેણે પણ બચાવો બચાવોની બૂમો પાડતાં એક પછી એક દેવેન્દ્રકુમાર દિનેશભાઈ, રાજન કુમાર પપ્પુભાઈ અને અનિશકુમાર પપ્પુભાઈ પણ ચીસો સાંભળીને હોજમાં ઊતર્યા હતા. દરમિયાન થોડીવારમાં પાંચેય જણાની બૂમો શાંત થઈ ગઈ હતી.

આ બનાવની જાણ થતાં ગાંધીનગર ફાયરબ્રિગેડની ટીમ તરત ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને એક પછી એક પાંચેય લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારે કંપનીના માલિક સહિતનો સ્ટાફ પણ સ્થળ પર દોડી આવ્યો હતો.

આ અંગે રીજનલ ફાયર ઓફિસરના જણાવ્યા કેમિકલયુકત પાણીની ઝેરી અસર થવાથી પાંચેય લોકોએ જીવ ગુમાવ્યો હોય એવું પ્રાથમિક અનુમાન છે. જ્યારે પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા પછી મોતનું ચોક્કસ કારણ જાણવા મળશે. મરનારા પાંચેય લોકોની ઉંમર ત્રીસથી પાંત્રીસ વર્ષની છે. હાલમાં વધુ પૂછપરછ ચાલી રહી છે. ( ETP પ્લાન્ટની તસવીર પ્રતિકાત્મક છે)