Site icon Revoi.in

બનાસકાંઠામાં માવઠાથી ખેતરોમાં ભરાયાં પાણી, રાયડો. જીરૂ, બટાકા સહિતના પાકને નુકસાન

Social Share

અમદાવાદઃ ઉનાળાના આગમનને ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે વાતાવરણમાં આવેલા પલટા સાથે કેટલાક વિસ્તારોમાં માવઠું પડતા ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. માવઠાને લીધે ખેતિપાકને નુકસાન થયું છે. બનાસકાંઠામાં શનિવારે વહેલી સવારથી જ વરસાદી માહોલ સર્જાયો હતો. વરસાદી ઝાંપટા પડતા ખેડૂતોના તૈયાર પાકો બટાકા રાયડો એરંડા જીરુ ઇસબગુલ સહિતના પાકોને નુકશાન થતાં ખેડૂતો ચિંતાતુર બન્યા છે. ડીસા પંથકમાં બટાકા નીકળવાની સિઝન ચાલી રહી છે અને અનેક ખેતરોમાં બટાટા નીકાળીને ખેતરોમાં ઢગલા કરી રાખ્યા છે. હવે જો વધુ કમોસમી વરસાદ પડશે તો વધુ નુકશાન જવાની ખેડુતો દહેશત વ્યક્ત કરી રહ્યા છે.

બનાસકાંઠા જિલ્લામાં શનિવારે વહેલી સવારથી જ કમોસમી વરસાદ વરસ્યો હતો.. ડીસા સહિત આજુબાજુના ગામડાઓમાં કમોસમી માવઠું થતા ખેડૂતો ચિંતાતૂર બન્યા છે. ડીસા શહેરી વિસ્તાર સહિત તાલુકાના વિઠોદર, જેરડા, કંસારી તેમજ આજુબાજુના ગામડાઓમાં વરસાદી ઝાપટા પડ્યા હતા અને ઉનાળાની શરૂઆત સાથે જ ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. બનાસકાંઠા જિલ્લાના થરાદ સહિતના તમામ તાલુકામાં કમોસમી વરસાદના ઝાપટાં પડ્યા હતા. માવઠાને લીધે બટાકા રાયડો એરંડા જીરુ ઇસબગુલ સહિતના પાકોને નુકશાન થયું હોવાનું ખેડુતો કહી રહ્યા છે. સરહદી પંથકના વાવ ના ચોથાને લુદરાણી કુંડલીયા રતનગઢ ઈકબાલગઢ અમીરગઢ ઝાંઝરવા સહિતના વિસ્તારોમાં વરસાદિ ઝાપટા પડ્યા છે જો વધુ વરસાદ પડે તો ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવા જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે.

ડીસા પંથકમાં શનિવારે વહેલી સવારથી જ ભારે ગાજવીજ સાથે કમોસમી વરસાદના ઝાંપટાં પડ્યા હતા. સતત ઝરમર ઝરમર વરસાદ વરસતા સાંજ સુધીમાં એક ઇંચ જેટલો વરસાદ ખાબકતા અનેક ખેતરોમાં પાણી ભરાઈ જતાં સક્કરટેટી અને બટાકાના પાકને વ્યાપક નુકસાન થવાની ભીતી છે. ડીસા પંથકમાં અત્યારે બટાકા નીકળવાની સિઝન ચાલી રહી છે અને અનેક ખેતરોમાં બટાટા નીકાળીને ખેડૂતોએ ઢગલા કરી રાખ્યા છે. ત્યારે જો વધુ વરસાદ થાય તો ખેડૂતોને મોટું નુકસાન થવાની ભીતિ સતાવી રહી છે જેને લઇ ખેડૂતો ચિંતાતૂર બન્યા છે. ઉનાળાની શરૂઆત ટાંણે જ વરસાદ વરસતા ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો અને વાતાવરણમાં પણ ભારે ઠંડક પ્રસરી ગઈ હતી. ડીસા તાલુકાના વિઠોદર, એરડાં, કંસારી, રાણપુર સહિત આજુબાજુના ગામડાઓમાં ભારે ગાજવીજ સાથે વરસાદી ઝાપટા પડ્યા હતા અને ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા. ખાસ કરીને ખેતરમાં પડેલા બટાટાના પાકને અને સક્કરટેટીનું વાવેતર કરેલા ખેતરોમાં પાણી ભરાઈ જતાં વ્યાપક નુકસાન થવાની આશંકા છે, જેને લઇ ખેડૂતો ચિંતાતુર બન્યા છે.