Site icon Revoi.in

72 વર્ષમાં પહેલીવાર પીઓકેની શારદાપીઠમાં થઈ પૂજા-અર્ચના

Social Share

72 વર્ષ બાદ પહેલીવાર પાકિસ્તાનના પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં માતા શારદા પીઠ શક્તિસ્થાન પર કોઈ હિંદુ શ્રદ્ધાળુએ પહોંચીને પૂજાઅર્ચના કરી છે. આ છે ભારતીય મૂળના હોંગકોંગમાં રહેતા દંપત્તિ કે. પી. વેંકટરમન અને તેમના પત્ની સુજાતા. ખંડેર બની ચુકેલી શારદા પીઠ સુધી પહોંચવામાં દંપત્તિને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડયો હતો. ભારતીય મૂળના હોવાને કારણે પાકિસ્તાને યુગલને શારદા પીઠ સુધી જવાની મંજૂરી આપી ન હતી. ઘણાં દિવસોની પૂછપરછ બાદ એનઓસી જાહેર કરવામાં આવ્યું હતું.

માતાજીની તમામ શક્તિપીઠના દર્શન કરી ચુકેલા દંપત્તિએ તાજેતરમાં સોશયલ મીડિયાથી જાણકારી મેળવી હતી કે એક શક્તિપીઠ પીઓકેમાં પણ છે. અહીં આઝાદી બાદથી આજ સુધી કોઈ જઈ શક્યું નથી. દંપત્તિએ ટ્વિટર દ્વારા સેવ શારદા સમિતિ કાશ્મીરના ફાઉન્ડર રવિન્દ્ર પંડિતનો સંપર્ક સાધ્યો અને તેમના દ્વારા જાણકારી એકઠી કરી હતી.

30 સપ્ટેમ્બરે શારદાની યાત્રા માટે કાયદેસરના વીઝા પર દંપત્તિ પાકિસ્તાનના મુઝફ્ફરાબાદ પહોંચ્યું. શારદા પીઠ પહોંચવા માટે બે સ્થાનિકોએ તેમની મદદ કરી. પીઓકે જવા માટે એનઓસીની જરૂરત હતી. દંપત્તિએ પોતાની યાત્રાના દસ્તાવેજો સાથે મુઝફ્ફરાબાદમાં સરકારને દલીલ આપી હતી કે તેઓ હોંગકોંગ નિવાસી છે અને ત્યાંથી આવ્યા છે. જેમતેમ કરીને ડોક્યુમેન્ટ્સની પુષ્ટિ થયા બાદ પીઓકેના પીએમઓ હસ્તક્ષેપ કર્યો અને આખરે દંપત્તિને એનઓસી જાહેર કરવામાં આવ્યું હતું.

ત્યાર બાદ તેમને પાકિસ્તાનના કબજા હેઠળના કિશનગંગા નદીની નજીકના તટ પર જવાની મંજૂરી આપવામાં આવી. જ્યાં તેઓ 4 ઓક્ટોબરે પૂજા કરી શક્યા હતા. જો કે શારદા મંદિર સંપૂર્ણપણે ખંડેરની સ્થિતિમાં છે. નિયંત્રણ રેખા પર વધતા તણાવ વચ્ચે આ રાત્રે શારદા ક્ષેત્રમાં ભારે ગોળીબાર પણ થયો. ત્યાંથી સુરક્ષિત નીકળવામાં બે સ્થાનિકોએ તેમની ભરપૂર મદદ કરી હતી. રવિન્દ્ર પંડિતે કહ્યુ છે કે અમે કરતારપુરની જેમ જ શારદાપીઠને ફરીથી ખોલવાની માગણી કરીશું.