Site icon Revoi.in

અંબાજીના ગબ્બર પર્વતમાં દીપડાને પકડવામાં વન વિભાગ હાંફી ગયું, દીપડો રાજસ્થાન નાસી ગયો

Social Share

અંબાજીઃ સુપ્રિદ્ધ યાત્રાધામ અંબાજીમાં મા જગતજનની અંબાના દર્શન કરવા મોટી સંખ્યામાં માઇભક્તો દૂર દૂરથી આવતા હોય છે. અંબાજીમાં માતાજીના દર્શન કર્યા બાદ દર્શનાર્થીઓ મોટી સંખ્યામાં અંબાજી નજીક આવેલા ગબ્બર પર્વત પર માતાજીના અખંડ જ્યોતના દર્શન કરવા જતા હોય છે. અને ગબ્બર ખાતે આવેલા 51 શક્તિપીઠનો લાભ પણ લેતા હોય છે. ગબ્બર પર્વત ચારે બાજુ પહાડીઓથી ઘેરાયેલું ભક્તિ અને સૌંદર્યનું સ્થળ છે. ગબ્બરના પર્વત પર દીપડો દેખાતા વન વિભાગે દીપડાને પકડવા માટે ઠેર ઠેર પાંજરા મુક્યા હતા. અને દીપડાનું લોકેશન મેળવવાના પ્રયાસો કરાયા હતા. વન વિભાગે ભારે જહેમત ઉઠાવી હોવા છતાયે ચપળ ગણાતા દીપડાએ વન વિભાગને હંફાવી દીધુ હતું. અને ગબ્બર પર્વત છોડીને દીપડો રાજસ્થાનના માઉન્ટ આબુ તરફ નાશી ગયો હતો.

વન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ અંબાજી નજીક આવેલા ગબ્બર પર્વતની પહાડીઓમાં 6 ઓગસ્ટ સવારે  દીપડો નજરે પડ્યો હતો. ગબ્બર પર્વત પર લેબર કામ કરતા શ્રમિકોને દીપડો દેખાયો હતો. ત્યારે મોબાઈલથી તેમનો વીડિયો ઉતાર્યો હતો. અંબાજી ગબ્બર પર્વતની પહાડીઓમાં દીપડો દેખાતા દર્શનાર્થીઓ અને લોકોમાં ભયનો માહોલ છવાયો હતો. 51 શક્તિપીઠ પર પૂજારીઓ સહિત લેબર કામ કરતા શ્રમિકોમાં પણ ભય જોવા મળી રહ્યો હતો. ત્યારે તમામ ઘટનાની જાણ વન વિભાગ અંબાજીને જાણ કરાતા વન વિભાગ એક્શનમાં આવી ગયું હતું.

પાલનપુરની રેસ્ક્યુ ટીમ ગબ્બર પર્વત પર આવી અને સાથે પાંજરાઓ અને ટેપ કેમરા સહિત અન્ય સામગ્રી લઈને પહોંચી હતી. ત્યારબાદ અત્યાર સુધી સતત વન વિભાગ દ્વારા સતત મોનીટરીંગ રખાતા દીપડાના પદચિહ્ન છાપરી ચેકપોસ્ટ બાજુ જોવા મળ્યા હતા. તો સાથે સાથે વન વિભાગે જણાવ્યું હતું કે હવે દીપડાએ ગબ્બરની પહાડીઓથી સ્થળ છોડી દીધું છે. અને ટેપ કેમરાઓ હવે ત્યાંથી નીકાળી દેવામાં આવ્યા છે. પણ પાંજરાઓ હજી પણ ત્યાં રાખવામાં આવ્યા છે. જેનું મુખ્ય કારણ ભાદરવી પૂનમ છે. જેમાં અંબાજી અને ગબ્બર પર લાખોની સંખ્યામાં માઇભક્તો આવતા હોય છે. ત્યારે ફરીવાર દીપડો આ વિસ્તારમાં આવે તો પાંજરે પુરાઈ જાય તે માટે પાંજરા હાલ જ્યાં છે, ત્યાં જ રાખવામાં આવશે.