પટિયાલા: પંજાબ પોલીસના પૂર્વ આઈજી (IG) અમરસિંહ ચહલે પટિયાલા સ્થિત પોતાના નિવાસસ્થાને સુરક્ષાકર્મીની રિવોલ્વરથી પોતાની જાતને ગોળી મારી આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. ગંભીર હાલતમાં તેમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, પૂર્વ પોલીસ અધિકારી કરોડો રૂપિયાની સાયબર છેતરપિંડીનો શિકાર બન્યા હતા, જેના કારણે તેઓ ભારે માનસિક તણાવમાં હતા.
ઘટનાસ્થળેથી પોલીસને 12 પાનાની લાંબી સ્યુસાઈડ નોટ મળી આવી છે, જે પંજાબના ડીજીપી ગૌરવ કપૂરને સંબોધીને લખવામાં આવી છે. આ નોટમાં ચહલે ઉલ્લેખ કર્યો છે કે તેમની સાથે 8.10 કરોડ રૂપિયાની મોટી સાયબર ઠગાઈ થઈ છે. આ આર્થિક નુકસાન અને માનસિક ત્રાસને કારણે તેઓ આ અંતિમ ડગલું ભરી રહ્યા હોવાનું જણાવ્યું છે. તેમને છાતીના ભાગે ગોળી વાગી હોવાથી હાલત અત્યંત નાજુક છે અને ડોક્ટરો દ્વારા ઓપરેશનની તૈયારીઓ ચાલી રહી છે.
એસપી સિટી પલવિંદર સિંહ ચીમાના જણાવ્યા અનુસાર, પૂર્વ આઈજીના મિત્રોએ પોલીસને એક નોટ વિશે જાણ કરી હતી, જેના આધારે આત્મહત્યાની આશંકા સેવાઈ રહી હતી. સ્થાનિક પોલીસ અને ડીએસપી તાત્કાલિક તેમના ઘરે પહોંચ્યા હતા, જ્યાં અમરસિંહ ચહલ લોહીલુહાણ હાલતમાં મળી આવ્યા હતા. પોલીસે તાત્કાલિક તેમને હોસ્પિટલ ખસેડ્યા હતા.

