Site icon Revoi.in

ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાના ફોર્મ લેઈટ ફી સાથે 6ઠ્ઠી જાન્યુઆરી સુધી સ્વીકારાશે

Social Share

ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-એપ્રિલમાં લેવાનારી ધોરણ 10 અને 12ની પરીક્ષા માટેની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. ધોરણ 12ના સામાન્ય પ્રવાહની પરીક્ષાના ફોર્મ ભરવાની મુદત પૂર્ણ થતાં હવે લેઈટ ફી સાથે પરીક્ષાના ફોર્મ સ્વીકારવામાં આવી રહ્યા છે. અને 6ઠ્ઠી જાન્યુઆરી સુધી લેઈટ ફી સાથે ફોર્મ ભરી શકાશે. જ્યારે ધોરણ 10ના વિદ્યાર્થીઓમાં બોર્ડની પરીક્ષાનો ભય દૂર કરવા માટે પ્રિ-બોર્ડ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષમ બોર્ડના સૂત્રોના જણાવ્યા મુજબ  ધો.12 સામાન્ય પ્રવાહની પરીક્ષાના રજિસ્ટ્રેશનની મુદત લંબાવાઇ છે. 6 જાન્યુઆરી સુધી લેટ ફી સાથે ફોર્મ સ્વિકારવાની કાર્યવાહી કરાશે. ઘણા વિદ્યાર્થીઓના ફોર્મ ભરવાના બાકી હોવાનું સામે આવતા હવે લેઈટ ફી સાથે ફોર્મ સ્વીકારવાનું નક્કી કરાયું છે. શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ માસમાં લેવામાં આવનારી ધો.12 સામાન્ય પ્રવાહની પરીક્ષા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશનની કાર્યવાહીનો 6 નવેમ્બરથી પ્રારંભ કરવામાં આવ્યો હતો. 15 ડિસેમ્બરે ફોર્મ ભરવાની કાર્યવાહી પૂરી થઇ હતી. કેટલાંક વિદ્યાર્થીનાં ફોર્મ બાકી રહેતાં લેટ ફી સાથે સ્વીકારવામાં આવી રહ્યા છે.

સૂત્રોએ ઉમેર્યુ હતું કે, તા. 26 ડિસેમ્બરથી 5 જાન્યુઆરી સુધી રૂ. 300 લેટ ફી સાથે જ્યારે અંતિમ તબક્કામાં 6 જાન્યુઆરીએ રૂ.350 લેટ ફી સાથે ફોર્મ સ્વીકારાશે. શિક્ષણ બોર્ડે લેટ ફી સાથે ફોર્મ ભરવાની મુદ્દતમાં વધારો કરવા સાથે જાન્યુઆરી સુધી શાળા કક્ષાએથી કોઈ પણ સમયે વિદ્યાર્થીની માહિતીમાં પણ સુધારો કરી શકશે. વિદ્યાર્થીઓનું પ્રિન્સિપલ એપ્રૂવલ બાકી હોય તો તે પણ 6 જાન્યુઆરી સુધીમાં પૂર્ણ કરી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં આગામી માર્ચ મહિનામાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાની શરૂઆત થવાની છે. ત્યારે ધોરણ 10 ના વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષાનો ડર દૂર થાય તે માટે અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા પ્રિ બોર્ડ પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. શહેરની 600 જેટલી શાળાના 40,000થી વધારે વિદ્યાર્થીઓ પ્રિ બોર્ડ પરીક્ષા આપશે. ધોરણ 10માં મહત્વના ગણાતા વિશે એવા ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, અંગ્રેજી વિષયની પરીક્ષા લેવામાં આવશે.