Site icon Revoi.in

પંચમહાલ જિલ્લાના ગજાપુરા ગામના તળાવમાં નહાવા પડેલા ચાર બાળકો ઉંડા પાણીમાં ડુબ્યાં

Social Share

અમદાવાદઃ પંચમહાલના ગજાપુર ગામના તળાવમાં નહાવા પડેલા ચાર બાળકો ઉંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ચારેય બાળકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યાં હતા. તળાવમાં નહાવા પડેલા ચાર બાળકોના ડુબી જવાથી મોત થતા સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. આ બનાવને પગલે સ્થાનિક રાજકાય આગેવાનો અને ઉચ્ચ અધિકારીઓ પણ તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર ઘોઘંબા તાલુકાના ગજાપુરા ગામમાં આવેલા તળાવમાં આજે બાળકો રમતા રમતા ન્હાવા પડ્યા હતા. દરમિયાન તળાવમાં વધારે પાણી હોવાથી ચારેય બાળકો એકાએક તળાવમાં ડૂબી ગયા હતા. આ ઘટનાને પગલે ઘટના સ્થળે ગામવાસીઓના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી. સ્થાનિક તરવૈયાઓ દ્વારા તળાવમાં બાળકોની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જે દરમિયાન ચારેય બાળકોના મૃત હાલતમાં તળાવમાંથી મળી આવ્યા હતા. તરવૈયાઓએ ચારેય બાળકોના મૃતદેહને તળાવમાંથી બહાર કાઢ્યા હતા. તમામ બાળકોની ઉંમર અંદાજે 10થી 12 વર્ષ હતી. તળાવમાં ડૂબી જવાથી એકસાથે 4 બાળકોના મૃત્યુ થતાં ગામમાં શોકનો માહોલ છવાયો છે. તળાવમાં નહાવા પડેલા ચાર બાળકો ડુબ્યાની જાણ થતા સ્થાનિક ધારાસભ્ય ફતેસિંહ ચૌહામ પણ તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા.

પોલીસે ચારેય બાળકોના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ મોકલી આપ્યાં હતા. તેમજ આ અંગે અકસ્માતે મોત નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.