Site icon Revoi.in

કપડવંજ-મોડાસા હાઈવે પર ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા ચારના મોત

Social Share

અમદાવાદઃ રાજ્યમાં રોડ અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. ખેડા જિલ્લાના કપડવંજ મોડાસા રોડ પર આજે શુક્રવારે વહેલી સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, જેમાં ચાર મિત્રને મોતનો કાળ ભરખી ગયો છે. આઈસર ટ્રક અને કાર વચ્ચે સર્જાયેલા આ ગમખ્વાર અકસ્માતમાં રણુજાથી દર્શન કરી પરત ફરી રહેલા હોમગાર્ડ મિત્રોને અકસ્માત નડ્યો છે. આ ઘટનામાં 4નાં મૃત્યુ થયાં છે, જ્યારે એક વ્યક્તિને સારવાર અર્થે ખસેડાયો છે. આ બનાવ સંદર્ભે કપડવંજ ગ્રામ્ય પોલીસે ફરિયાદને આધારે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.

આ અકસ્માતની પોલીસ સૂત્રોમાંથી એવી વિગતો જાણવા મળી હતી કે, કપડવંજ ગ્રામ્ય પોલીસની હદમાં આવતા કપડવંજ-મોડાસા રોડ પર કાવઠ પાસે શુક્રવારની વહેલી સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અહીંથી પસાર થતી કેળા ભરેલી આઈસર ટ્રક  અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બન્ને વાહન સામસામી ધડાકાભેર અથડાતાં કારનો લોચો વળી ગયો હતો. અકસ્માત બાદ આઈસર ટ્રકચાલક વાહન મૂકી ફરાર થઈ ગયો હતો, જ્યારે આ ટક્કર એટલી જોરદાર હતી કે કાર આગળના ભાગના ફુરચેફુરચા ઊડી ગયા હતા. અકસ્માતને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા. કારમાં સવાર 5 હોમગાર્ડ મિત્રો પૈકી 4ને શરીરે ગંભીર ઈજાઓ થતાં સ્થળ પર જ મોતના મુખમાં ધકેલાઈ ગયા હતા. જ્યારે દિલીપભાઈ અભયસિંહ સોલંકી (ઉં. વ. 29) નામની વ્યક્તિને તરત સારવાર અર્થે ખસેડાયો છે. સ્થાનિકોના મતે ઉપરોક્ત બન્ને વાહનો એટલી સ્પીડમાં હતાં કે ઓવરટેકની લાયમાં અકસ્માત સર્જાયો હોવાનું જણાવ્યું છે.

પોલીસનાં સૂત્રોના કહેવા મુજબ, મૃત્યુ પામેલી તમામ વ્યક્તિઓ કપડવંજ હોમગાર્ડ યુનિટમાં સર્વિસ કરે છે, જેમાં બે વ્યક્તિ મોટા રામપુરા અને એક ગરોડ તથા એક વાઘાવતનો રહેવાસી છે. ઇજાગ્રસ્ત સાથે આ તમામ મિત્રો હોવાથી તમામ લોકો રણુજા દર્શને ગયા હતા, જ્યાંથી પરત ફરતી વખતે કપડવંજ પંથક પાસે જ અકસ્માત નડ્યો છે. મૃતકોને કપડવંજ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લાવવામાં આવ્યા છે, જ્યાં પીએમ કરી તેમના પરિવારને મૃતદેહ સોંપાયા હતા. સાથે સાથે આ સંદર્ભે ગુનો નોંધવાની કામગીરી પણ કપડવંજ ગ્રામ્ય પોલીસે હાથ ધરી હોવાનું કપડવંજ ગ્રામ્ય પોલીસના પીઆઈ જે. કે. રાણાએ જણાવ્યું છે. આ અકસ્માતમાં મૃત્યુ પામેલાના નામ રમેશભાઈ મોતીભાઈ ઝાલા (ઉં.વ. 55), મહેશભાઈ રયજીભાઈ ઝાલા (ઉં.વ. 48), નરેન્દ્રભાઈ નાનાભાઈ રાઠોડ (ઉં.વ. 35) અને શૈલેષ કેદરસિંહ રાઠોડ (ઉં.વ. 33) હોવાનું જાણવા મળ્યું છે.