Site icon Revoi.in

ભાવનગરના કોળીયાકના દરિયામાં ભાદરવી અમાસે સ્નાન કરવા ગયેલા ચાર યુવાનો ડુબી ગયા

Social Share

ભાવનગરઃ શહેર નજીક આવેલા કોળિયાક ગામે ભાદરવી અમાસ નિમિત્તે મેળો ભરાયો હતો. ભાદરવી અમાસના દિવસે સમુદ્ર સ્નાનનું વિશેષ મહાત્મ્ય છે જેથી લોકો દરિયામાં ન્હાવા પડતાં હોય છે, ત્યારે મેળા દરમિયાન દરિયામાં 6 મિત્રો નહાવા પડ્યા હતા. જે પૈકી ત્રણ મિત્રોના ડુબી જવાથી મોત થયા છે તેમજ એક અન્ય વ્યક્તિનું પણ મોત થયું હતું. આમ ચાર યુવાનોના મોતથી વાતાવરણ ગમગીન બન્યું હતુ.

ભાવનગરના કોળિયાકમાં ભાદરવી અમાસના દિવસે મેળામાં 6  યુવાનો સમુદ્ર સ્નાન કરી રહ્યા હતા. ત્યારે 3 યુવાનો તેમજ અન્ય એક વ્યક્તિ ડૂબી ગયા હતા. દરિયામાં ભરતી શરૂ થયા બાદ સાંજે 4 વાગ્યે ભાવનગરના ભરતનગર અને ઘોઘારોડ લીંબડીયું વિસ્તારના યુવાનો કોળીયાકના દરિયામાં નહાવા પડ્યા હતા. જોકે, દરિયામાં ભારે કરંટના કારણે ત્રણ યુવકો ડૂબવા લાગ્યા હતા. જેથી ત્રણ યુવાનોના મોત થયા હતા. તેમજ સવારે અન્ય એક વ્યક્તિનું પણ મોત થતા કુલ ચાર યુવાનોના મોત નિપજતા ભારે ગમગીની પ્રસરી ગઈ હતી. તરવૈયાઓ અને મરીન પોલીસ દ્વારા ભારે શોધખોળ બાદ બે યુવાન ધ્રુવરાજ જાડેજા અને હર્ષ સમડિયાના મૃતદેહ મળી આવ્યાં હતા, આમ ભાદરવી અમાસના મેળામાં સમુદ્ર સ્નાન માટે આવેલા આધેડ સહિત કુલ ચાર લોકોના મોત નિપજ્યા હતા. આણંદથી નિષ્કલંક મહાદેવના દર્શને આવેલા તખુભા ભીખુભા સરવૈયાનું પણ ડૂબી જતા મોત નિપજ્યું હતું.

સૂત્રોના જણાવ્યા મુજબ ભાવનગરના કાળીયાકમાં ભાદરવી અમાસના દિને મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા. દર ભાદરવી અમાસે કોળીયાકમાં લોક મેળો ભરાતો હોય છે. લોક મેળાને મહાલવા લોકો ઉમટ્યા હતા. દરિયામાં નહાવા માટે પ્રતિબંધ હોવા છતાં કેટલાક યુવાનો દરિયામાં નહાવા પડ્યા છે. તે દરમિયાન આ ઘટના બની હતી.