Site icon Revoi.in

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા 11મી માર્ચથી ધો.10 – 12ની પરીક્ષા 1634 કેન્દ્રો પરથી લેવાશે

Social Share

અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 11મી માર્ચથી શરૂ થતી ધોરણ 10 અને 12ની પરીક્ષાની તમામ આગોતરા તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. 1634 પરીક્ષા કેન્દ્રો પરથી ધો. 10 અને 12ની પરીક્ષા લેવામાં આવશે. જેમાં કેટલાક કેન્દ્રો સંવેદનશીલ હોવાથી આવા કેન્દ્રો પર વિશેષ તકેદારી રખાશે. પરીક્ષાના બીજા કે ત્રીજા દિવસથી મુલ્યાંકનની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવશે. આ વખતે વહેલા પરિણામ આપી દેવાની ગણતરી છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષા 11મી માર્ચથી શરૂ થશે. પરીક્ષાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે બોર્ડ દ્વારા એક્શન પ્લાન જાહેર કરવામાં આવ્યો છે. બોર્ડના એક્શન પ્લાન મુજબ રાજ્યના ધોરણ 10 અને 12ના કુલ 15 લાખથી વધુ વિદ્યાર્થીઓ 1634 કેન્દ્ર ઉપર પરીક્ષા આપશે. બોર્ડ દ્વારા તમામ જિલ્લાઓના પરીક્ષા કેન્દ્રમાં પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓની સંખ્યા સહિતની તૈયારી પૂર્ણ કરી દેવામાં આવી છે. આગામી દિવસમાં વિદ્યાર્થીઓને હોલ ટિકિટ આપવામાં આવશે.

બોર્ડના સૂત્રોના કહેવા મુજબ આ વર્ષે ધોરણ 10માં 917687 વિદ્યાર્થીઓ નોંધાયા છે જેમાં 165846 વિદ્યાર્થીઓ રીપીટર વિદ્યાર્થીઓ છે. જ્યારે ધોરણ 12માં વિજ્ઞાન પ્રવાહમાં 111549 વિદ્યાર્થીઓ નોંધાયા છે જેમાંથી 20438 વિદ્યાર્થીઓ રીપીટર છે. તેમજ ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 489279 વિદ્યાર્થીઓ નોંધાયા છે જેમાંથી 74547 વિદ્યાર્થીઓ રીપીટર છે. ધોરણ 10ની પરીક્ષા 11 માર્ચથી 21 માર્ચ સુધી ચાલશે. ધોરણ 10ની પરીક્ષાનો સમય સવારે 10થી 1:15 સુધીનો રહેશે. ધોરણ 12ની પરીક્ષા 11 માર્ચથી 26 માર્ચ સુધી ચાલશે જેનો સમય બપોરે 3 વાગ્યાથી સાંજે 6:15 સુધીનો રહેશે. ધોરણ 10ની પરીક્ષા 84 ઝોનના 981 કેન્દ્રો પર યોજાશે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 506 અને વિજ્ઞાન પ્રવાહમાં 147 કેન્દ્રો પર પરીક્ષા યોજાશે. 4 અલગ અલગ જેલમાં કેન્દ્રો પર પણ પરીક્ષા યોજાશે.