Site icon Revoi.in

ડીસામાં ગાંધી ચોકથી લઈને મુખ્ય માર્ગો પર વારંવાર ટ્રાફિકજામની સમસ્યાથી લોકો પરેશાન

Social Share

ડીસાઃ રાજ્યના તમામ નાના-મોટા શહેરોમાં ટ્રાફિકની સમસ્યા વધી રહી છે. કારણ કે, વાહનોની સંખ્યા દિનપ્રતિદિન વધી રહી છે. બનાસકાંઠાના ડીસામાં પણ ટ્રાફિકની સમસ્યા માથાના દુઃખાવારૂપ બની છે. શહેરના ગાંધીચોક, રીસાલા બજારમાં ટ્રાફિકની જટીલ સમસ્યાથી વેપારીઓ અને રાહદારીઓ પરેશાન થઈ ઉઠ્યા છે અને દિવસે ભારે વાહનો પર પ્રતિબંધ મુકવામાં આવે તેવી વાહનચાલકો અને રાહદારીઓની માગ ઉઠી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ઉત્તર ગુજરાતમાં વેપાર ક્ષેત્રે ડીસા શહેર મહત્વનું ગણવામાં આવે છે અને ઉત્તર ગુજરાત તેમજ રાજસ્થાનના લોકો ખરીદી માટે ડીસા શહેરમાં આવતા હોઈ દિનપ્રતિ દિન વેપાર ધંધાને લઈને નાના-મોટા વાહનોની અવર જવર વધી રહી છે. જેના કારણે બહારથી આવતા વાહનચાલકો પોતાના વાહનો આડેધડ રીતે પાર્કિંગ કરીને ટ્રાફિકને નડતરરૂપ વાહનો રસ્તા વચ્ચે પાર્ક કરી રહ્યા છે. જેને લઈને અવર જવર કરતા લોકોને હેરાન પરેશાન થઈ ગયા છે અને ભારે વાહનો પણ શહેરમાં આવતા નાના વાહન ચાલકો તેમજ રાહદારીઓને અવરજવરમાં ભારે મુશ્કેલી પડે છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, ડીસામાં  ગાંધીચોક અને રીશાલા બજારમાં મોટા વાહનો માલ ખાલી કરવા માટે દુકાનો આગળ અને રોડ વચ્ચે પાર્ક કરી દેતા વારંવાર ટ્રાફિકજામ થાય છે અને રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલી પડે છે. આથી મોટા વાહનો પર દિવસે પ્રતિબંધ લગાવવામાં આવે તેવી લોકોની માગ છે. જો દિવસે મોટા વાહનો માર્કેટમાં આવતા બંધ થાય તો જ અહીં વારંવાર થતી ટ્રાફિકની સમસ્યા અને લોકોની મુશ્કેલીઓ દૂર થઈ શકે તેમ છે.