Site icon Revoi.in

જન ધનથી ડિજિટલ ક્રાંતિ સુધી: પીએમ મોદી અને ક્વીન મેક્સિમા વચ્ચે ભારતની સફળતાની ચર્ચા

Social Share

નવી દિલ્હી, 26 જૂન 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નેધરલેન્ડ્સના ક્વીન મેક્સિમા સાથે મુલાકાત કરી હતી. આ બેઠક દરમિયાન ભારતનું ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર (DPI) કેવી રીતે નાણાકીય સેવાઓને વધુ સુલભ અને સસ્તી બનાવી રહ્યું છે, તે અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.

ક્વીન મેક્સિમા હાલમાં યુનાઈટેડ નેશન્સ સેક્રેટરી જનરલની ‘સ્પેશિયલ એડવોકેટ ફોર ઇન્ક્લુઝિવ ફાયનાન્સ ફોર ડેવલપમેન્ટ’ (UNSGSA) તરીકે ભારતની મુલાકાતે છે. પ્રધાનમંત્રી મોદીએ ‘X’ પર પોસ્ટ કરતા જણાવ્યું હતું કે, “ક્વીન મેક્સિમા સાથે મુલાકાત કરીને આનંદ થયો. તેઓ લાંબા સમયથી વૈશ્વિક સ્તરે નાણાકીય સમાવેશના સમર્થક રહ્યા છે.”

પીએમ મોદીએ જણાવ્યું કે, ભારતમાં ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા થઈ રહેલા ફેરફારોથી સામાન્ય લોકોના જીવનમાં સરળતા આવી છે અને મોટા પાયે નાગરિકોનું સશક્તિકરણ થયું છે. તેમણે ઉમેર્યું કે ભારત પોતાના આ સફળ અનુભવોને વિશ્વના અન્ય ભાગીદાર દેશો સાથે શેર કરવા માટે હંમેશા તત્પર છે.

વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, ક્વીન મેક્સિમાની આ મુલાકાત નાણાકીય સમાવેશને પ્રોત્સાહન આપવાની ભારતની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. પોતાના પ્રવાસ દરમિયાન, ક્વીન મેક્સિમાએ વિવિધ વર્ગના લોકો સાથે સંવાદ કર્યો હતો અને તેમને મળતી નાણાકીય સેવાઓ તથા પડકારો વિશે સીધી માહિતી મેળવી હતી.

ખાસ કરીને તેમણે સરકારની મહત્વાકાંક્ષી ‘જન ધન યોજના’ ના લાભાર્થીઓ સાથે મુલાકાત કરી હતી, જેનો ઉદ્દેશ્ય દેશના દરેક નાગરિકને બેંકિંગ અને નાણાકીય સેવાઓ સાથે જોડવાનો છે. આ મુલાકાતથી મળેલી જાણકારીનો ઉપયોગ તેઓ સરકારી અને ખાનગી ક્ષેત્રના નેતાઓ સાથેની આગામી બેઠકોમાં કરશે.

ઉલ્લેખનીય છે કે, ગયા મહિને પીએમ મોદી જ્યારે નેધરલેન્ડ્સના પ્રવાસે હતા, ત્યારે પણ તેમણે ક્વીન મેક્સિમા અને રાજા વિલેમ-અલેક્ઝાન્ડર સાથે મુલાકાત કરી હતી. તે સમયે પીએમ મોદીએ તેમને રાજસ્થાનની પ્રખ્યાત કળા ‘મીનાકારી અને કુંદન’ના ઝુમકા ભેટમાં આપ્યા હતા.

Exit mobile version