Site icon Revoi.in

ગાંધીનગર મ્યુનિ દ્વારા બાંધકામ સાઈટ્સ પર ચેકિંગ, મચ્છરોના પોરા મળી આવતા 3 એકમોને દંડ કરાયો

Social Share

ગાંધીનગરઃ શહેરમાં છેલ્લા મહિનાઓથી વાદળછાંયા અને ભેજવાળા વાતાવરણને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. તેના લીધે મચ્છરજન્ય રોગચાળો પણ વકર્યો છે. જેથી મ્યુનિ.કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા મચ્છરોનો નાશ કરવા માટે ફોગિંગ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે. તાજેતરમાં જ  શહેરની બાંધકામ સાઈટો પર સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું હતું. જે અન્વયે રાયસણ ખાતે આવેલા સિલિકોન નેસ્ટ બાંધકામ સાઈટ, વાવોલની સહજાનંદ સ્કાય લાઈન બાંધકામ સાઈટ તેમજ સરગાસણ ખાતે આવેલા સ્વાગત એફોર્ડ રેસીડેન્સીમાં મચ્છરોના પોરા મળી આવતા 10 હજારનો દંડ પણ ફટકાર્યો હતો.

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા શહેરના સ્કૂલ કોલેજો, હોટલો તેમજ રહેણાંક વિસ્તારો ઉપરાંત ખાનગી – સરકારી હોસ્પિટલોમાં સઘન સર્વેલન્સ હાથ ધરી મચ્છરોના પોરા મળી આવતાં એકમો સામે દંડાત્મક કાર્યવહી કરવામાં આવી રહી છે. ત્યારે આરોગ્યની ટીમે શહેરના જુદા જુદા વિસ્તારની બાંધકામ સાઈટો ઉપર સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં રાયસણ ખાતેની સિલિકોન નેસ્ટની સાઈટ , વાવોલની સહજાનંદ સ્કાય લાઈન બાંધકામ સાઈટ તેમજ સરગાસણમાં આવેલા સ્વાગત અફોર્ડ રેસિડેન્સીમાંથી મચ્છરોનાં વિપુલ માત્રામાં પોરા મળી આવતાં 10 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો. આરોગ્ય શાખા દ્વારા વારંવાર મચ્છરજન્ય રોગચાળાને ગાઈડ લાઈન જાહેર કરાતી હોય છે. તેમ છતાં કોમર્શિયલ એકમો દ્વારા તેનું પાલન કરવામાં આવતું નથી. જેને લઈને આરોગ્યની ટીમ દ્વારા કડકાઈથી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

આ સિવાય રાયસણ વિસ્તારમાં આવેલા બાંધકામ સાઈટ સાગર સ્કાય લાઈન, સાગર ડાયનામિક, અતુલ્યમ સાઈટ, સમર્થ લાવિશવેલા, વિનાયક રિવર સાઈડ, ટેક્સાસ 2, સિલિકોન નેસ્ટ, GUDA હોલ રાયસન, જેએમડી હોસ્ટેલ, સિદ્ધિવિનાયક ફ્લેટતેમજ વાવોલની સાલવીક શુકનમાંથી મચ્છરોનાં પોરા મળી આવતા તમામને નોટિસ ફટકારી ભવિષ્યમાં દંડાત્મક કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપવામાં આવી હતી.