Site icon Revoi.in

અંકલેશ્વર જીઆઈડીસીની ફેક્ટરીમાં ગેસ ગળતરઃ ગ્રામજનોને શ્વાસ અને આંખોમાં બળતરા

Social Share

અમદાવાદઃ ભરૂચમાં અંકલેશ્વરની પાનોલી જીઆઇડીસીમાં આવેલી એક પ્રાઇવેટ લિમિટેડ કંપનીના કારખાનામાં ગેસ ગળતરથી અફરાતફરી સર્જાઇ હતી. લોકોને શ્વાસ લેવાની તકલીફ અને આંખમાં બળતરાથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતા જ વહીવટી તંત્ર, પોલીસ અને જીપીસીબીના અધિકારીઓ સ્થળ પર દોડી આવી તપાસ શરૂ કરી હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીની કંપનીમાં ગેસ ગળતરની ઘટના રાત્રિના સમયે બની હતી. આ ગેસ કંપનીની નજીક આવેલા સંજાલી અને પનોલીના ગામમાં પ્રસરી જતાં ગ્રામજનોને શ્વાસ અને આંખમાં બળતરાથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સંજાલી ગામમાં તીવ્ર ગેસની અસર થતા ગામના લોકોમાં ભયનો માહોલ સાથે નાસભાગ મચી જવા પામી હતી. ગેસના કારણે લોકો ખરોડ અને અંકલેશ્વર તરફ ભાગ્યા હતા. આ સમય દરમિયાન તેની આજુબાજુમાં આવેલી કંપનીઓના કામદારો પણ ભાગી નીકળ્યા હતા. આ ઘટનાની જાણ થતા અંકલેશ્વર પોલીસ વિભાગ તેમજ તાલુકાનું વહીવટી તંત્ર અને જીપીસીબીની ટીમ તાત્કાલિક સંજાલી ગામ ખાતે દોડી ગયા હતા. અડધા કલાક સુધી ચાલેલા ગેસ  લિકેજને લઇ ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો હતો. જેથી ગ્રામજનો, સ્થાનિક આગેવાનો સાથે કંપની પર પહોંચી કંપની સામે બળાપો કાઢ્યો હતો. આ સમયે ત્યાં હાજર પોલીસ અને વહીવટી તંત્રએ દરમિયાનગીરી કરી મામલો થાળે પાડ્યો હતો. ઘટનાના પગલે જીપીસીબીની મોનિટરિંગ ટીમ સ્થળ પર દોડી આવી હવાની ગુણવત્તની ચકાસણી કરી કંપનીની પૂછપરછ કરી હતી. ગેસ કેવી રીતે લિકેજ થયો તેની કપાસ કરવામાં આવી રહી છે. (file photo)