Site icon Revoi.in

હર હર મહાદેવના જયઘોષ સાથે ખુલ્યા કેદારનાથ મંદિરના દ્વાર,પરિસરને 20 ક્વિન્ટલ ફૂલોથી શણગારવામાં આવ્યું

Social Share

દહેરાદુન :  ઉત્તરાખંડના કેદારનાથ મંદિરના દ્વાર મંગળવારે સવારે ભકતો માટે ખોલવામાં આવ્યા છે. આ દરમિયાન હજારો ભક્તો સ્થળ પર હાજર હતા. કેદારધામ હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું હતું. આ ખાસ અવસર પર મંદિર પરિસરને 20 ક્વિન્ટલ ફૂલોથી શણગારવામાં આવ્યું હતું.

ભગવાન કેદારનાથના દ્વાર સવારે 6.20 વાગ્યે આર્મી બેન્ડના મંત્રોચ્ચાર અને મધુર ધૂન સાથે ખોલવામાં આવ્યા હતા. કેદારનાથ મંદિરના મુખ્ય પૂજારી જગદગુરુ રાવલ ભીમ શંકર લિંગ શિવચાર્યએ દરવાજા ખોલ્યા. આ પ્રસંગે મંદિરને ફૂલોથી શણગારવામાં આવ્યું હતું. આ દરમિયાન હજારો ભક્તો પણ હાજર રહ્યા હતા. મંદિરના દ્વાર ખોલ્યા બાદ ભક્તોએ કેદાર ધામની મુલાકાત લીધી હતી.

ઉત્તરાખંડમાં ભક્તોની આસ્થાના કેન્દ્ર ગંગોત્રી, યમુનોત્રીના દ્વાર ખુલવાની સાથે ચારધામ યાત્રાનો પ્રારંભ થયો છે. ઉત્તરાખંડ સરકારે ચારધામ યાત્રા માટે શ્રદ્ધાળુઓનું રજીસ્ટ્રેશન ફરજિયાત બનાવ્યું છે. જો તમે ઉત્તરાખંડ સરકારની વેબસાઈટ પર ઓનલાઈન રજીસ્ટ્રેશન ન કરાવ્યું હોય તો હરિદ્વારમાં બસ સ્ટેન્ડ પાસે આવેલા જિલ્લા પ્રવાસન કેન્દ્ર પર જઈને શ્રદ્ધાળુઓ ઓફલાઈન રજીસ્ટ્રેશન પણ કરાવી શકે છે. આ માટે આધાર કાર્ડ ફરજિયાત રહેશે.

ઉત્તરાખંડ સરકારના જણાવ્યા અનુસાર, ચારધામ યાત્રા માટે અત્યાર સુધીમાં 13 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે. કોરોના મહામારી બાદ શરૂ થયેલી ચારધામ યાત્રા બાદ ભક્તોની સંખ્યામાં થયેલા વધારાથી ઉત્તરાખંડ સરકાર પણ ખુશ છે. આ ધાર્મિક પ્રવાસથી ઉત્તરાખંડ સરકારને સારી આવક થશે.

જો કે, ભારતીય હવામાન વિભાગ (IMD) એ કેદારનાથ ધામ માર્ગ પર ભારે હિમવર્ષાનું એલર્ટ પણ જાહેર કર્યું છે.

Exit mobile version