Site icon Revoi.in

બાબા મહાકાલના શરણમાં ગૌતમ ગંભીર: ભસ્મ આરતીમાં લીધો ભાગ

Social Share

ઉજ્જૈન, 16 જાન્યુઆરી 2026: વિશ્વ પ્રસિદ્ધ શ્રી મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ મંદિરમાં મહાનુભાવોના આગમનનો સિલસિલો યથાવત છે. આ ક્રમમાં આજે શુક્રવારે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ દિગ્ગજ ખેલાડી અને વર્તમાન મુખ્ય કોચ ગૌતમ ગંભીર બાબા મહાકાલના દરબારમાં શિશ ઝુકાવવા પહોંચ્યા હતા. ગંભીરે વહેલી સવારે 4 કલાકે યોજાતી પવિત્ર ‘ભસ્મ આરતી’માં સહભાગી થઈ ભગવાન શિવની આરાધના કરી હતી અને દેશ તેમજ ભારતીય ટીમની સફળતા માટે મનોકામના કરી હતી.

મળતી માહિતી મુજબ, ગૌતમ ગંભીર લગભગ બે કલાક સુધી મંદિર પરિસરમાં રોકાયા હતા. તેઓ નંદી હોલમાં બેસીને વિધિ-વિધાન સાથે સંપન્ન થયેલી ભસ્મ આરતીમાં સામેલ થયા હતા. આરતી દરમિયાન ગંભીર સંપૂર્ણપણે શિવમય જોવા મળ્યા હતા. તેમણે અત્યંત સાદગી સાથે નંદી હોલમાં બેસીને ‘ઓમ નમઃ શિવાય’ નો જાપ કર્યો હતો. ગંભીરની આ શ્રદ્ધા જોઈ ઉપસ્થિત શ્રદ્ધાળુઓ પણ ભાવવિભોર થયા હતા અને સમગ્ર પરિસર ‘હર હર મહાદેવ’ ના નાદથી ગુંજી ઉઠ્યું હતું.

મંદિરની પરંપરા અને મર્યાદાનું પાલન કરતા ગૌતમ ગંભીરે ગર્ભગૃહની બહાર ચોખટ પરથી જ બાબા મહાકાલના દર્શન કર્યા હતા અને જલ અર્પણ કરી આશીર્વાદ લીધા હતા. દર્શન બાદ મંદિર પ્રબંધન સમિતિ દ્વારા ગંભીરનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું અને તેમને ભગવાનનો પ્રસાદ તેમજ સ્મૃતિ ચિન્હ અર્પણ કરવામાં આવ્યું હતું. દર્શન બાદ તેમણે જણાવ્યું કે, મહાકાલના દર્શનથી તેમને અત્યંત માનસિક શાંતિ અને નવી ઉર્જાનો અનુભવ થયો છે.

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ 1 જાન્યુઆરીના રોજ ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સભ્યો સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, રેણુકા સિંહ ઠાકુર સહિતના ખેલાડીઓએ પણ મહાકાલના દર્શન કરી નવા વર્ષની શરૂઆત કરી હતી. ૨૦૨૫ ના વર્લ્ડ કપમાં ચેમ્પિયન બનેલી ભારતીય મહિલા ટીમે પણ બાબાના આશીર્વાદ લીધા હતા. હવે ગૌતમ ગંભીરની આ મુલાકાત આગામી ટુર્નામેન્ટ્સ માટે ટીમ ઈન્ડિયાના મનોબળને વધારનારી માનવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃદિલ્હી-NCR: હાડ થીજવતી ઠંડી, ગાઢ ધુમ્મસ અને ઝેરી હવાનો ત્રિપલ માર

Exit mobile version