Site icon Revoi.in

પાકિસ્તાની સેનાધ્યક્ષે લીધી સરહદી ક્ષેત્રની મુલાકાત, પાકિસ્તાની સૈનિકોને ભારત વિરુદ્ધ ઉશ્કેરણીજનક આદેશ આપ્યા

Social Share

પુલવામામાં સીઆરપીએફના કાફલા પર આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવપૂર્ણ બનેલી સ્થિતિ વચ્ચે પાકિસ્તાની આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવાએ લાઈન ઓફ કંટ્રોલની શુક્રવારે મુલાકાત લીધી હતી.

આ મુલાકાતામાં જનરલ બાજવાએ ભારતને કોઈપણ આક્રમક કાર્યવાહીથી બચવાનું જણાવીને ક્હ્યુ છે કે કોઈપણ સૈન્ય કાર્યવાહીનો પાકિસ્તાનના સૈનિકો દ્વારા યોગ્ય જવાબ મળશે.

પાકિસ્તાની અખબારની વેબસાઈટ પર પ્રકાશિત અહેવાલ મુજબ, જનરલ બાજવાએ શુક્રવારે ભારત સાથેના સરહદી વિસ્તારોની સ્થિતિ સમીક્ષા કરી છે. આની પાછળનો ઉદેશય પાકિસ્તાની સેનાને એ નિર્દેશ આપવાનો હોવાનું જણાવવામાં આવે છે કે કોઈપણ પ્રકારની સૈન્ય કાર્યવાહીનો જવાબ આપવા માટે તૈયાર રહે.

ગુરુવારે જ પાકિસ્તાનની રાષ્ટ્રીય સુરક્ષા કમિટીએ પોતાના સુરક્ષાદળોને આના માટે અધિકૃત કર્યા છે કે તેઓ ભારત તરફથી થનારી કોઈપણ સૈન્ય કાર્યવાહી માટે સંપૂર્ણપણે તૈયાર રહે. ટોચના કમાન્ડરની સરહદી ક્ષેત્રોની મુલાકાતથી સંકેત મળી રહ્યા છે કે પાકિસ્તાનની સેના દ્વારા યુદ્ધલક્ષી ઉચ્ચત્તમ સ્તરની તૈયારીઓ કરીને તણાવ વધારવાની અને આતંકવાદીઓને બચાવવાની કોશિશો થઈ રહી છે.

પાકિસ્તાન દ્વારા છેલ્લા કેટલાક દિવસોમાં કેટલાક ઠેકાણે શસ્ત્રવિરામ ભંગ કરીને ફાયરિંગ પણ કરવામાં આવ્યું છે. ગત સપ્તાહે જ કાશ્મીરના પુલવામામાં ભારતીય સુરક્ષાદળો પર આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાનમાં ડર પેદા થઈ ચુક્યા છે કે ભારત, પાકિસ્તાન પર મોટી કાર્યવાહી કરે તેવી પ્રબળ શક્યતા છે.

ચિરિકોટ અને બસ્તર સેક્ટરોમાં મોરચા પર તેનાત પાકિસ્તાની સૈનિકો સાથે વાત કરતા પાકિસ્તાન સેનાધ્યક્ષ જનરલ કમર જાવેદ બાજવાએ કહ્યુ છે કે પાકિસ્તાન શાંતિની ઈચ્છા રાખનારો દેશ છે, પરંતુ પાકિસ્તાન ભયભીત અથવા મજબૂર નહીં થાય. કોઈપણ આક્રમકતા અથવા દુસ્સાહસનો તેવા જ લહેજામાં વળતો જવાબ આપવામાં આવશે.

આ પહેલા જમ્મુ-કાશ્મીરના પુલવામામાં પાકિસ્તાન સમર્થિત જૈશ-એ-મોહમ્મદ દ્વારા સીઆરપીએફના કાફલા પર આતંકવાદી હુમલાનો આરોપ લાગ્યા બાદ પાકિસ્તાને શુક્રવારે ફરીથી ભારતને ધમકાવવાની કોશિશ કરી હતી. પાકિસ્તાનના સૈન્ય પ્રવક્તા અને ઈન્ટર સર્વિસિસ પબ્લિક રિલેશન્સના મહાનિદેશક મેજર જનરલ આસિફ ગફૂરે મીડિયાને સંબોધિત કરતા પાકિસ્તાનનો હુમલામાં કોઈપણ રીતે હાથ હોવાનો સ્પષ્ટ ઈન્કાર કર્યો હતો. ભારતને ધમકી આપતા પાકિસ્તાની સેનાના પ્રવક્તાએ કહ્યુ હતુ કે પાકિસ્તાન યુદ્ધની તૈયારી કરી રહ્યું નથી. યુદ્ધની ધમકીઓ ભારત તરફથી આવી રહી છે.

મેજર જનરલ આસિફ ગફૂરે કહ્યુ હતુ કે પાકિસ્તાન જંગની પહેલા કરવાની તૈયારી કરી રહ્યું નથી, પરંતુ પાકિસ્તાનને પોતાની સુરક્ષા કરવાનો અમારો હક છે. પાકિસ્તનના સૈનિકો ભૂતકાળના ફૌજીઓ નથી. જો ભારત કોઈપણ આક્રમક કાર્યવાહીના તેવર દેખાડે છે તો પાકિસ્તાન પણ જવાબી કાર્યવાહી કરશે.