Site icon Revoi.in

બાબા કેદારના ભક્તો માટે ખુશખબર, કેદારનાથ મંદિરના દ્વાર 17 મેના રોજ ખુલશે

Social Share

ઉચ્ચ ગઢવાલ હિમાલય ક્ષેત્રમાં સ્થિત વિશ્વ વિખ્યાત બાબા કેદારનાથના દ્વાર આ વર્ષે 17 મેના રોજ સવારે પાંચ વાગ્યે ભક્તો માટે ખોલવામાં આવશે.

ચારધામ દેવસ્થાનમ મેનેજમેન્ટ બોર્ડના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ગુરુવારે મહાશિવરાત્રી પર્વ પર વિધિ વિધાનથી રૂદ્રપ્રયાગના ઉખીમઠના ઓમકારેશ્વર મંદિરમાં કેદારનાથ મંદિરના દ્વાર ખોલવા માટેનું મૂહર્ત લેવામાં આવ્યું હતું.

બાબા કેદારની ડોલી 14 મેના રોજ તેમના શીતકાલીન પ્રવાસ સ્થળ ઉખીમઠથી રવાના થશે. કેદારનાથ મંદિરના દ્વાર ગયા વર્ષે 16 નવેમ્બરના રોજ બંધ કરાયા હતા.

આ પહેલા બસંત પંચમીના રોજ એક અન્ય ધામ બદ્રીનાથના દ્વાર 18 મે ના રોજ સવારે 4.15 વાગ્યે ખોલવા માટે મૂહર્ત લેવામાં આવ્યું હતું. બદ્રીનાથ ધામના દ્વાર 19 નવેમ્બરના રોજ બંધ કરાયા હતા. આ વર્ષની ચારધામ યાત્રા 14 મેએ અક્ષય તૃતીયાના શુભ પર્વ પર ગંગોત્રી અને યમુનોત્રી ધામના દ્વાર ખોલવાની સાથે શરૂ થશે.

ગઢવાલ હિમાલયના ચાર ધામોના નામથી પ્રસિદ્ધ બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રીના દ્વાર શિયાળામાં ભીષણ ઠંડી અને બરફવર્ષાની ચપેટમાં રહેવાના કારણે દર વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં ભક્તો માટે બંધ કરી દેવામાં આવે છે, જે આવતા વર્ષે એપ્રિલ-મે માં ખુલે છે.

વર્ષના લગભગ છ મહિના ચાલેલી આ યાત્રા દરમિયાન દેશ-વિદેશથી લાખો શ્રદ્ધાળુઓ અહીં ચાર ધામની ઝલક મેળવવા પહોંચે છે. અને ચારધામ યાત્રાને ઉત્તરાખંડની અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ માનવામાં આવે છે.

-દેવાંશી

Exit mobile version