Site icon Revoi.in

ફાધર્સ ડે પર ગૂગલે બનાવ્યું ખાસ ડૂડલ,જાણો આ ખાસ દિવસ વિશે 

Social Share

ફાધર્સ ડે વિશ્વના ઘણા ભાગોમાં જૂનના ત્રીજા રવિવારે ઉજવવામાં આવે છે.આ વર્ષે ફાધર્સ ડેની ઉજવણી 19મી જૂને એટલે કે આજે થઇ રહી છે.ફાધર્સ ડેની ઉજવણી લગભગ 100 વર્ષ પહેલા અમેરિકામાં શરૂ થઈ હતી.સર્ચ એન્જિન ગૂગલે પણ તેના નવા ડૂડલ દ્વારા ફાધર્સ ડેના આ અવસર પર તેને વધુ ખાસ બનાવ્યું છે.

ફાધર્સ ડે પર તૈયાર કરાયેલા ડૂડલમાં બે હાથ જોવા મળે છે. પિતા અને બાળક વચ્ચેના સંબંધને તેમના હાથનું નિરૂપણ કરીને દર્શાવવાનો પ્રયાસ છે. પિતા પોતાના બાળકના વિકાસ અને સારા પોષણ માટે ત્યાગ, સમર્પણ અને વિશ્વ સાથે લડાઈ કરીને તમામ પ્રયાસો કરે છે. ઘણીવાર પિતા પોતાના બાળક પ્રત્યે પ્રેમ નથી દર્શાવતા, પરંતુ પ્રેમ દર્શાવ્યા વિના અને બતાવ્યા વિના, તે બાળકની ખુશી માટે પૂરો પ્રયાસ કરે છે. પિતાના આ પ્રેમને માન આપવા માટે વિશ્વભરમાં ફાધર્સ ડે ઉજવવામાં આવે છે.

ફાધર્સ ડેની ઉજવણીની ઉત્પત્તિ પાછળ કેટલીક રસપ્રદ વાતો છે. એક વાર્તા 1908ની છે, જ્યારે વેસ્ટ વર્જિનિયા, યુએસએમાં એક ચર્ચે 362 લોકોને સન્માનિત કરવા માટે એક ખાસ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ અગાઉના વર્ષે કોલસાની ખાણમાં થયેલા વિસ્ફોટમાં મૃત્યુ પામેલા લોકોના સન્માન માટે હતું. પિતૃઓના સન્માનમાં આયોજિત અમેરિકામાં કદાચ તે પ્રથમ જાહેર કાર્યક્રમ હતો.

અમેરિકામાં સોનોરા સ્માર્ટ ડોડ નામની મહિલાએ 1909 માં ફાધર્સ ડેને રાષ્ટ્રીય રજા તરીકે સ્થાપિત કરવામાટેની માંગ શરૂ કરી.વોશિંગ્ટનમાં રહેતી 16 વર્ષની સોનોરાની માતાનું ઘણા સમય પહેલા અવસાન થયું હતું.આ પછી તેના પિતાએ તેને અને તેના પાંચ ભાઈ-બહેનોનો ઉછેર કર્યો.આવી સ્થિતિમાં સોનોરાએ વિચાર્યું કે માતાની જેમ પિતાનું પણ સન્માન કરવું જોઈએ.

છેવટે, એક વર્ષના સંઘર્ષ પછી સોનોરાના વતન વોશિંગ્ટનમાં જૂન 19, 1910 ના રોજ તેનો પ્રથમ સત્તાવાર ફાધર્સ ડે ઉજવવામાં આવ્યો.આ પછી, વર્ષોવર્ષ ફાધર્સ ડેની ઉજવણી અમેરિકાના અન્ય રાજ્યોમાં પણ ઉજવવાની પ્રથા વધવા લાગી.લાંબા સમય પછી 1972 માં તેને રાષ્ટ્રીય રજા જાહેર કરવામાં આવી.ત્યારે અમેરિકી પ્રમુખ રિચર્ડ નિક્સન એ તેને માન્યતા આપી હતી. ધીરે ધીરે, વિશ્વના અન્ય ભાગોમાં પણ જૂનના ત્રીજા રવિવારે ફાધર્સ ડે ઉજવવાનું શરૂ થયું.