Site icon Revoi.in

સોમનાથ મહાદેવના દર્શન કરીને મંદિર બહાર આવતા આપના ગોપાલ ઇટાલિયા અને ઇસુદાન ગઢવીનો વિરોધ કરાયો

Social Share

વેરાવળઃ  ગુજરાત વિધાનસભાની ચૂંટણીને સવા વર્ષ જેટલો સમય બાકી રહ્યો ત્યારે આમ આદમી પાર્ટીએ લોક સંપર્ક અભિયાન શરૂ કરી દીધું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા અને ઇસુદાન ગઢવી  હાલ ગીર-સોમનાથના પ્રવાસે આવ્યા હતા. જે અનુસંધાને બન્ને નેતાઓએ આજે સોમવારે સોમનાથ દાદાના દર્શન કર્યાં હતાં. આ દરમિયાન મંદિર બહાર બંને નેતાઓનો જોરદાર વિરોધ કરવામાં આવ્યો હતો. બંને નેતાઓને ધક્કે પણ ચઢાવવામાં આવ્યા હતા. સનામત ધર્મ મામલે ચાર-પાંચ વર્ષ પહેલા ગોપાલ ઈટાલિયાએ કહેલા શબ્દો મામલે બ્રહ્મ સમાજ તરફથી આ વિરોધ કરવામાં આવ્યો હતો. આ મામલે ગોપાલ ઇટાલિયાએ પ્રભાસ પાટણ પોલીસ મથક ખાતે પોલીસ ફરિયાદ કરવા પહોંચ્યા હોવાનું જાણવા મળ્યું છે.

આપના નેતા ગોપાલ ઇટાલિયા અને ઇસુદાન ગઢવી આજે સોમનાથ દાદાના દર્શને પહોંચ્યા હતા. સોમનાથની તેમની આ પ્રથમ મુલાકાત છે. બંનેએ સોમનાથ મહાદેવાના દર્શન કર્યાં હતા. દર્શન કરીને બહાર આવેલા બંને નેતાઓને બ્રહ્મ સમાજના લોકોએ ધક્કે ચઢાવ્યા હતા. લોકોને વિરોધ જોઈને ગોપાલ ઇટાલિયા કાર તરફ ભાગ્યા હતા. કહેવાય છે કે, ગોપાલ ઇટાલિયાએ ભૂતકાળમાં હિન્દુ સનાતન ધર્મને લઈને સોશિયલ મીડિયામાં કરેલા શબ્દ પ્રયોગને લઈને બ્રહ્મ સમાજ અને હિન્દુ સંગઠનોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું.

સોમનાથ ખાતે બનેલી ઘટનાને ગોપાલ ઇટાલિયાએ ભાજપ પ્રેરિત ગણાવી હતી. જે બાદમાં તેઓ પ્રભાસ પાટણ પોલીસ મથક ખાતે ફરિયાદ કરવા માટે દોડી ગયા હતા. આ મામલે તેઓએ નિવેદન આપ્યું હતું કે, વાયરલ વીડિયોથી કોઈ પણ સમાજ કે લોકોની લાગણી દુભાઈ હોય તો હું માફી માંગું છું. ચૂંટણી આવે છે ત્યારે જ આવું કેમ થાય છે તે સમજાતું નથી. આ મામલે ગીર-સોમનાથ જિલ્લાના બ્રહ્મ સમાજના કાર્યકારી પ્રમુખ મિલન જોશીએ જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા દર્શન માટે આવ્યા હતા. એમની સનાતન ધર્મ વિરુદ્ધની માનસિકતાને પડકારવા માટે અમે તેમનો વિરોધ કરવા માટે મંદિર પાસે ધરણા કર્યાં હતાં

Exit mobile version