Site icon Revoi.in

કેન્દ્રીય કર્મચારીઓને ડબલ ભેટ આપવાની તૈયારીમાં સરકાર,ટૂંક સમયમાં થઈ શકે છે જાહેરાત

Social Share

મુંબઈ: છેલ્લા DAમાં વધારાને છ મહિના વીતી ગયા છે. હવે કર્મચારીઓ કેન્દ્ર સરકાર પાસેથી તેમના પગારમાં વધારાની અપેક્ષા રાખી રહ્યા છે. દરમિયાન ઓગસ્ટમાં મોંઘવારી દર ફરી એકવાર સાત ટકા પર પહોંચી ગયો છે. આનાથી ડીએમાં વધારાને લઈને કર્મચારીઓની અપેક્ષાઓ વધી ગઈ છે.

આશા વ્યક્ત કરાઈ રહી છે કે, કેન્દ્ર સરકાર આ મહિનાના અંતમાં કર્મચારીઓને ડબલ ગિફ્ટ આપી શકે છે. અહેવાલ છે કે, સરકાર આ મહિને યોજાનારી કેબિનેટ બેઠકમાં ડીએ વધારવા પર મોટો નિર્ણય લઈ શકે છે. જો કે સરકાર તરફથી હજુ સુધી કોઈ નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.

અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, આ વખતે સરકાર કેન્દ્રીય કર્મચારીઓના ડીએમાં 4 ટકા સુધીનો વધારો કરી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાનાર કેન્દ્રીય કેબિનેટની બેઠક બાદ તેની જાહેરાત થવાની ધારણા છે. મોંઘવારી ભથ્થું એ સરકારી કર્મચારીઓના પગાર માળખાનો એક ભાગ છે. સરકાર આ મોંઘવારી ભથ્થુ જાહેર ક્ષેત્રના કર્મચારીઓ તેમજ પેન્શનરોને આપે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં 28 સપ્ટેમ્બર 2022ના રોજ કેબિનેટની બેઠક યોજાવા જઈ રહી છે. માનવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં સરકાર ડીએ વધારવાનો નિર્ણય લઈ શકે છે.

સામાન્ય રીતે સરકાર દર છ મહિને કેન્દ્રીય કર્મચારીઓના ડીએમાં ફેરફાર કરે છે. છેલ્લી વખત માર્ચ 2022માં સરકારે કેન્દ્રીય કર્મચારીઓના ડીએમાં 3 ટકાનો વધારો કર્યો હતો. હાલમાં કેન્દ્રીય કર્મચારીઓને 34 ટકાના દરે ડીએ મળી રહ્યો છે. સરકારના મોંઘવારી ભથ્થામાં વધારાથી દેશના 50 લાખ કર્મચારીઓ અને 65 લાખ પેન્શનરોને ફાયદો થશે.