Site icon Revoi.in

ગુજરાતમાં સરકારી પ્રાથમિક શાળાઓ ભૌતિક સગવડો સાથે સ્માર્ટ અને ડિજિટલ બની : શિક્ષણ મંત્રી

Social Share

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભા ગૃહમાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વિભાગની અંદાજપત્રિય માંગણીઓ પરની ચર્ચામાં સહભાગી થતા શિક્ષણ મંત્રી  કુબેર ડિંડોરે કહ્યુ હતુ કે, પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઇ મોદીના વિઝનને સાકાર કરતી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ–2020ના અસરકારક અમલીકરણ થકી અમૃતકાળમાં ભારતના જ્ઞાન આધારિત સમાજ, વિશ્વગુરૂ બનવાના તથા ફાઇવ ટ્રીલીયન ડોલર ઇકોનોમીના ધ્યેયને સાકાર કરવા માટે ગુજરાત સરકાર સંપૂર્ણ કટિબદ્ધ છે.

મંત્રીએ કહ્યુ કે, તેજસ્વી વિદ્યાર્થીઓને ધોરણ 6 થી 12નું શ્રેષ્ઠ ગુણવત્તાવાળું રેસીડેન્શીયલ શિક્ષણ મળી રહે તે હેતુથી રાજ્યમાં વધુ 55 જ્ઞાન શક્તિ રેસીડેન્સીયલ સ્કૂલ્સ વર્ષ 2024-25માં શરૂ થશે. તે જ રીતે તેજસ્વી વિદ્યાર્થીઓને ધોરણ 6 થી 12નું શ્રેષ્ઠ ગુણવત્તાવાળું રેસીડેન્શીયલ સૈનિક શિક્ષણ મળી રહે તે માટે રાજ્યમાં વર્ષ 2023-24માં વધુ 5 રક્ષા શક્તિ સ્કૂલ્સ શરૂ કરવામાં આવશે. એકવીસમી સદી વિજ્ઞાન અને ટેકનોલોજીની સદી છે જેમાં જીવનના દરેક ક્ષેત્રમાં આઇ.ટી. અને સંલગ્ન તકનીકો મહત્વનો ભાગ ભજવવાની છે. ત્યારે વિજ્ઞાન પ્રવાહના અભ્યાસક્રમોમાં શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે વર્ષ 2024-25થી નમો સરસ્વતી યોજના અંતર્ગત વિજ્ઞાન સાધના સ્કોલરશીપ શરૂ કરવામાં આવશે, જેમાં ધોરણ 10ની પરીક્ષા પાસ કરી વધુમાં વધુ વિદ્યાર્થીઓને વિજ્ઞાન પ્રવાહ લેવા માટે પ્રોત્સાહિત કરવા આવશે. વિકસિત ગુજરાત @2047ની સંકલ્પનામાં કિશોરીઓની ભૂમિકા મહત્વની છે. ત્યારે તેમના પોષણ, આરોગ્ય અને શિક્ષણને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકારે “નમો લક્ષ્મી યોજના”ની જાહેરાત કરી છે. આ યોજના હેઠળ પાત્રતા ધરાવતી અંદાજે 10 લાખ વિદ્યાર્થીનીઓને ધોરણ-12 સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યેથી કુલ ₹ 50 હજારની સહાય આપવામાં આવશે.

મંત્રીએ ઉમેર્યુ કે, રાજ્યની મોટાભાગની સરકારી પ્રાથમિક શાળાઓ ભૌતિક સગવડો સાથે સ્માર્ટ અને ડિજિટલ બની છે. મિશન સ્કૂલ્સ ઓફ એકસેલન્સ હેઠળ નવા ઓરડાઓ, સ્માર્ટ કલાસરૂમ અને શાળાઓને કોમ્પ્યુટરથી સુસજ્જ કરવાની કાર્યવાહી હાલમાં થઈ રહેલ છે. વિદ્યાર્થીઓની શૈક્ષણિક પ્રગતિ અને શાળાઓની કામગીરીનું અદ્યતન ટેકનોલોજીના માધ્યમથી રિઅલ ટાઇમ મોનિટરિંગ કરવા દેશનું સર્વપ્રથમ “વિદ્યા સમીક્ષા કેન્દ્ર” ગુજરાતમાં શરૂ કરવામાં આવ્યુ છે. દેશ-વિદેશના ઘણા મહાનુભાવોએ વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત લઇ તેને શિક્ષણ ક્ષેત્રે સમગ્ર દેશ અને વિકાસશીલ દેશો માટે એક અનુસરણીય મોડેલ ગણાવ્યું છે.

મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ હેઠળ વર્ષ-2023-24 દરમિયાન સરકારી તેમજ અનુદાનિત શાળાઓમાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણને સૃદ્રઢ બનાવવાના હેતુથી રૂ. 3500 કરોડથી વધુના ખર્ચે ઉચ્ચ કક્ષાની માળખાકીય સુવિધાઓ ઉભી કરવામાં આવી રહી છે, જે અંતર્ગત 15 હજાર નવા વર્ગખંડો બનાવેલ છે તેમજ 15 હજારથી વધુ નવા વર્ગખંડોનું કાર્ય પ્રગતિ હેઠળ છે. 25 હજાર વર્ગખંડોનું અપગ્રેડેશન કાર્ય પૂર્ણ થયુ છે, તેમજ 45 હજારથી વધુ વર્ગખંડોનું અપગ્રેડેશન કાર્ય પ્રગતિ હેઠળ છે. 65 હજારથી વધુ સ્માર્ટ ક્લાસરૂમ્સ બની ગયેલ છે અને બીજા 43 હજાર સ્માર્ટ ક્લાસરૂમ્સનું અમલીકરણ પ્રગતિમાં છે.