Site icon Revoi.in

પેટ્રોલ-ડીઝલમાં એક્સાઈઝ ડ્યુટીમાં વધારો ઝીંકીને સરકારે 8 વર્ષમાં 27 લાખ કરોડ ખંખેર્યાઃ કોંગ્રેસ

Social Share

અમદાવાદઃ પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાને લીધે જીવન જરૂરિયાતની તમામ ચિજ-વસ્તુઓ મોંઘીદાટ બની છે. પેટ્રોલ-ડીઝલ પર કેન્દ્ર અને રાજ્ય સરકારનો તોતિંગ ટેક્સ ઉપરાંત એક્સાઈઝ ડ્યુટી કારણભૂત છે. આ મામલે ગુજરાત કોંગ્રેસે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે,  છેલ્લા 8 વર્ષમાં કેન્દ્ર સરકારે પેટ્રોલ-ડીઝલમાં એક્સાઇઝ ડ્યુટીથી 27 લાખ કરોડ રૂપિયાની વસૂલાત કરી છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, પેટ્રોલ-ડીઝલ, રાંધણ ગેસ, સીએનજી સહિતના ભાવમાં કમરતોડ ભાવ વધારાથી જનતા ત્રાહિમામ થઈ રહી છે. વર્ષ 2014-15 થી વર્ષ 2021-22ના આઠ વર્ષના સમયગાળામાં કેન્દ્રની ભાજપ સરકારે પેટ્રોલ-ડીઝલમાં સતત એક્સાઈઝ ડ્યુટીમાં વધારો ઝીંકીને 27 લાખ કરોડ જેટલી જંગી રકમ દેશની જનતા પાસેથી વસુલી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પેટ્રોલ-ડીઝલમાં માત્ર એક્સાઈઝ ડ્યુંટીથી સરકારને કરોડો રૂપિયાની આવક થઈ રહી છે. પેટ્રોલ-ડીઝલ પરના તોતિંગ ટેક્સને કારણે ભાવમાં અસહ્ય વધારો થયો છે. અને તેના લીધે જીવન જરૂરિયાતની ચિજ-વસ્તુઓના ભાવમાં પણ વધારો થયો છે. 26મી મે, 2014, જ્યારે પ્રધાનમંત્રીએ કાર્યભાર સંભાળ્યો, ત્યારે ક્રૂડ 108 યુએસ ડૉલર હતું, તેમ છતાં પેટ્રોલ અને ડીઝલ 71.41 રૂપિયા અને 55.49 રૂપિયા પ્રતિ લીટર પર હતું, પરંતુ આજે, ક્રૂડ ઓઈલ પ્રતિ બેરલ યુ.એસ $100.20 પર છે, તેમ છતાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધીને રૂ. 105.41 લિટર અને રૂ. 96.67 લિટર થઈ ગયા છે. પેટ્રોલમાં રૂ. 18.42 અને ડીઝલમાં રૂ.18.24 પ્રતિ લિટર એક્સાઇઝનો અસહ્ય ભાવ વધારો ભાજપ સરકાર પાછો ખેંચે તેવી કોંગ્રેસ પક્ષ માંગ કરે છે.