Site icon Revoi.in

ખાનગી યુનિવર્સિટીઓની બેઠકો ભરાય ગયા બાદ સરકારી યુનિને ઓફલાઈન પ્રવેશની છૂટ મળી

Social Share

રાજકોટઃ ગુજરાત સરકારે આ વર્ષે તમામ સરકારી યુનિવર્સિટીઓમાં પ્રવેશ માટે જીકાસ પોર્ટલ પર અરજીઓ મંગાવીને પ્રવેશની ફાળવણી કરી હતી. પ્રવેશની નીતિ-રીતિ અને એમાં રહેલી ક્ષતિઓને કારણે ઘણાબધા પ્રશ્નો સર્જાયા હતા. તદઉપરાંત પ્રવેશમાં પણ ખૂબ વિલંબ સર્જાયો હતો. તેના લીધે ઘણાબધા વિદ્યાર્થીઓએ ખાનગી યુનિવર્સિટીઓમાં પ્રવેશ મેળવી લીધો હતો. ખાનગી યુનિવર્સિટીઓમાં જ્યારે બેઠકો ભરાઈ ગઈ ત્યારે હવે ઉચ્ચ શિક્ષણ વિભાગે સરકારી યુનિવર્સિટીના જુદા જુદા ભવનોમાં પણ ખાલી પડેલી સીટો ઉપર ઓફલાઈન પ્રવેશની છૂટ આપી છે.

શિક્ષણ વિભાગના સૂત્રોના કહેવા મુજબ ખાનગી યુનિવર્સિટીઓમાં સીટો ભરાઈ ગઈ ત્યાં સુધી સ્ટેટ યુનિવર્સિટીમાં GCAS પોર્ટલથી પ્રવેશ-પ્રવેશની રમત ચાલી રહી હતી. ખાનગી યુનિવર્સિટીઓમાં જ્યારે બેઠકો ભરાઈ ગઈ ત્યારે હવે ઉચ્ચ શિક્ષણ વિભાગે સરકારી યુનિવર્સિટીના જુદા જુદા ભવનોમાં પણ ખાલી પડેલી સીટો ઉપર ઓફલાઈન પ્રવેશની છૂટ આપી છે. આ બાબતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પણ ભવનના અધ્યક્ષોને પરિપત્ર કરીને ઓફલાઈન પ્રવેશ આપવા સૂચના આપી છે. બીજી મહત્ત્વની બાબત એ સામે આવી છે કે, અગાઉ ઓનલાઈન એડમિશન વખતે  જીકાસ (GCAS) પોર્ટલના નામે વિદ્યાર્થીઓ પાસેથી રૂ.300 ફી વસૂલવામાં આવતી હતી, પરંતુ હવે તો પહેલાની જેમ જ ઓફલાઈન પ્રવેશ આપવાની છૂટ આપી છતાં જીકાસ  પોર્ટલના નામે વિદ્યાર્થીઓ પાસેથી રૂ.300 ફી ઉઘરાવવામાં આવી રહી છે જેના પગલે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં પણ રોષ ફેલાયો છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, અગાઉ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ કોલેજોને પણ પરિપત્ર કરીને ઓફલાઈન એડમિશન આપવાની સૂચના આપી હતી. રાજ્યમાં લાખો વિદ્યાર્થીઓએ રૂ.300 ફી ભરીને GCAS પોર્ટલમાં રજિસ્ટ્રેશન કરાવ્યું. હવે આ તંત્ર જાણે દળી દળીને ઢાંકણીમાં પડ્યું હોય એમ અગાઉની જેમ જ ઓફલાઈન પ્રવેશ આપવાની છૂટ આપી છે.સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ કરેલા પરિપત્રમાં જણાવ્યું છે કે, યુનિવર્સિટી સ્થિત તમામ અનુસ્નાતક ભવનના જે ભવનો/માન્ય સંસ્થાઓમાં ઇન્ટેક કેપેસીટી કરતાં ઓછા પ્રવેશ થયા હોય અને જગ્યા ખાલી રહેતી હોય તેવા ભવનો/માન્ય સંસ્થાઓએ વિદ્યાર્થીઓને કેટલાક મુદ્દાઓને ધ્યાને લઇ ઓફલાઈન પ્રવેશ આપવાનો રહેશે. રજિસ્ટ્રેશન ફી યુનિવર્સિટી જીકાસ દ્વારા સૂચવવામાં આવે તે ખાતામાં જમા કરાવવાના રહેશે. યુનિવર્સિટીએ કોલેજોને પણ પરિપત્ર મોકલી ઓફલાઇન પ્રવેશ આપવા જણાવ્યું છે.