Site icon Revoi.in

હરિત ક્રાંતિના પ્રણેતા ડો. M S સ્વામિનાથનને કૃષિમંત્રી અને કર્મચારીઓએ આપી શ્રદ્ધાંજલિ

Social Share

ગાંધીનગરઃ કૃષિ ભવન-ગાંધીનગર ખાતે કૃષિ મંત્રી  રાઘવજી પટેલે હરિત ક્રાંતિના પ્રણેતા અને કૃષિ વૈજ્ઞાનિક ડો. એમ. એસ. સ્વામિનાથનને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ભારતે એક અણમોલ રતન ખોયું છે તેમ કહેતા કૃષિ મંત્રીએ જણાવ્યું કે, કૃષિ અને દેશના ખેડૂતો માટે પોતાનું આખું જીવન સમર્પિત કરી દીધું એવા પ્રેરણાદાયી વ્યક્તિત્વની ચીર વિદાય દેશને હરહંમેશ વર્તાશે.

રાજ્યના કૃષિ મંત્રી  રાઘવજી પટેલે આ શંતિસભા દરમિયાન ડૉ. એમ.એસ.સ્વામિનાથન જીવન-કવન વિશે અને તેમણે ભારતીય કૃષિ ક્ષેત્રે આપેલા મહામૂલા યોગદાન વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, વર્ષ 1960માં જ્યારે સમગ્ર દેશમાં અનાજની અછત ઉભી થઈ હતી અને અનેક રાજ્યોમાં ભૂખમરાની સ્થિતિ સર્જાઈ હતી ત્યારે ડૉ. સ્વામિનાથને સાથી વૈજ્ઞાનિકો સાથે મળીને ભારતના વાતાવરણને માફક આવે એવી વધુ ઉત્પાદન આપતા ઘઉંના બીજનું સંશોધન કર્યુ હતું. એ ઉપરાંત બટાકા અને ચોખાની વેરાઈટી પણ તૈયાર કરી હતી. તેના પરિણામે જ હરિત ક્રાંતિની સાથે ખેતીનો વિસ્તાર વધ્યો, ખેડૂતો એક ઋતુમાં એક કરતા વધુ પાકો લેતા થયા, વધુ ઉત્પાદન આપતી જાતોનાં બીજ અપનાવ્યા, પિયત વ્યવસ્થામાં સુધારો થયો, ખેતીમાં યાંત્રિકીકરણ વધ્યું અને પાક સંરક્ષણ અંગે જાગૃતિ આવી.

મંત્રીએ ઉમેર્યું કે, લઘુત્તમ ટેકાના ભાવની ગણતરી માટે તેમણે આપેલી ફાર્મુલા આજે પણ સર્વસ્વીકૃત છે. પાક સુધારણા વિષય ઉપર તેઓએ એકલા હાથે 46 રિસર્ચ પેપર લખ્યાં જેના થકી તેઓ ભારતના પાક સુધારણાના પિતા તરીકે ઓળખાયા. ડૉ. સ્વામીનાથનને તેમના વિશિષ્ટ યોગદાન બદલ અનેકવિધ સન્માન અને એવૉર્ડ પણ પ્રાપ્ત થયા છે. જેની પણ વિગતો મંત્રીએ સભામાં ઉપસ્થિત સૌને આપી હતી.

કૃષિ ક્ષેત્રે સુધારણામાં યોગદાન, તેમના દ્વારા સ્થાપિત સંસ્થા અને તેના કર્યો વગેરેની પણ સવિસ્તૃત માહિતી મંત્રીએ આપી હતી. આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા વિકસાવવામાં આવેલ સોઇલ હેલ્થ કાર્ડ યોજનામાં પણ ડૉ. સ્વામીનાથનનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો છે, તેમ મંત્રીએ ઉમેર્યું હતું.

આ પ્રસંગે કૃષિ અને પશુપાલન વિભાગના અધિક મુખ્ય સચિવ  એ. કે. રાકેશ, ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝના એમ.ડી. શ્રી શાહ, ખેતી નિયામક, બાગાયત નિયામક સહિતના અધિકારીઓ, ખેડૂત પ્રતિનિધિઓ અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા અને ડો. સ્વામીનાથનને બે મિનિટનું મૌન પાળીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.