Site icon Revoi.in

ગુજરાત વિધાનસભાની ચૂંટણી ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં ચૂંટણી પંચ દ્વારા જાહેર થવાની શક્યતા

Social Share

ગુજરાત વિધાનસભાની ચૂંટણી બેથી અઢી મહિનામાં યોજાવાની હોવાથી ચૂંટણી પંચે પણ મોટા ભાગની તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. વિધાનસભાની ચૂંટણી નવેમ્બરના અતં કે ડિસેમ્બરના પહેલા સપ્તાહમાં યોજાવાની શક્યતા છે.  દેશના ચૂંટણી પંચ દ્વારા ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીની વિધિવત જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં વિધાનસભાની આગામી ચૂંટણી નવેમ્બરના અંતમાં કે ડિસેમ્બરના પ્રારંભે થાય તેવી સંભાવના છે. ચૂંટણી પચં ઓકટોબરના પહેલા સપ્તાહમાં ચૂંટણીની તારીખ જાહેર કરે તેવી શક્યતા છે. આ વખતે પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનું આયોજન હોવાથી 15 ડિસેમ્બર પહેલાં ચૂંટણી પૂર્ણ કરવાનું આયોજન વિચારવામાં આવી રહ્યું છે. કેમ કે શતાબ્દી મહોત્સવ 15મી ડિસેમ્બર થી 13 જાન્યુઆરી દરમિયાન યોજાવાનો છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે,  ભારતના ચૂંટણી પંચના ઉચ્ચ અધિકારીઓ બે દિવસ ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. 26 અને 27 સપ્ટેમ્બરે તેઓ રાજ્યના વિવિધ અધિકારીઓ સાથે બેઠકો સાથે ચૂંટણી તૈયારી અંગે સમીક્ષા કરશે. આવખતે મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવકુમાર, ચૂંટણી કમિશનર અનૂપચદ્રં પાંડે અને અન્ય સિનિયર અધિકારીઓ ગુજરાત આવી રહ્યાં છે. ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્ર્રીય નેતાઓની વધતી મુલાકાતો વહેલી ચૂંટણીનો સંકેત આપે છે. આ વખતે મોંઘવારી, વિવિધ આંદોલનો, આમ આદમી પાર્ટીનો ડર, ખેડૂતોના પ્રશ્નો અને રોજગારી જેવા મુદ્દાઓ સામે આવી રહ્યાં છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં શ્રાદ્ધ પક્ષ પછી નવરાત્રી શરૂ થતાંની સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર શરૂ થશે. પાંચ દિવસની મુલાકાતમાં તેઓ 12થી વધુ જનસભાને સંબોધી શકે છે. વડાપ્રધાન 29 અને 30 સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે, જેમાં તેઓ સુરત, ભાવનગર, અમદાવાદ અને અંબાજી જવાના છે. તેઓ 9મી થી 11મી ઓકટોબરે પણ ગુજરાત આવે તેવી સંભાવના છે. ઓકટોબરમાં તેમના પ્રવાસ જામનગર, ભરૂચ, મોડાસા અને રાજકોટ વિસ્તારમાં છે.