Site icon Revoi.in

ગુજરાત કોરોના રસીકરણમાં પ્રતિ મિલિયન અને વસ્તિની દ્રષ્ટિએ દેશમાં મોખરેઃ નીતિન પટેલ

Social Share

અમદાવાદઃ શહેરના છેવાડે આવેલી સોલા સીવિલ હોસ્પિટલ ખાતે કોરોનાની રસીનો બીજો ડોઝ લઈ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રાજ્યના નાગિરકોને કોરોના રસીકરણ અભિયાનમાં જોડાઇને જલ્દીથી વેક્સિન લઇને કોરોના સામે સુરક્ષિત થવા અપીલ કરી હતી. રાજ્યનો દરેક નાગરિક કોરોનાની રસીનો ડોઝ મેળવી પોતાની સાથે અન્યોને પણ કોરોના વાયરસ થી સુરક્ષિત કરે તેમ નાયબ મુખ્યમંત્રીએ કહ્યું હતું.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં દરરોજ 6 લાખ થી વધુ વ્યક્તિઓ કોરોના રસીકરણનો લાભ મેળવી રહ્યા છે. રાજ્યના 4 કરોડથી વધુ નાગરિકો કોરોનાની રસીનો પ્રથમ અથવા બીજો ડોઝ મેળવી ચૂક્યા છે જેના આધારે ગુજરાત રાજ્ય કોરોના રસીકરણમાં પ્રતિ મિલિયન અને વસ્તિની દ્રષ્ટિએ દેશમાં મોખરે રહ્યું છે. રાજ્યભરમાં 2500 થી વધુ કોરોના રસીકરણ કેન્દ્રો પર મેડીકલ અને પેરામેડીકલ દ્વારા કોરોના રસીકરણની કામગીરીને વ્યાપક બનાવવામાં આવી છે. સમગ્રતયા સંચાલન સુપેરે કરીને આ સિધ્ધી પ્રાપ્ત થઇ છે. કેન્દ્ર સરકાર દ્વારા સમયાંતરે કોરોના રસીકરણના માટેના વધુમાં વધુ જથ્થો ગુજરાત રાજ્યને પુરતો પાડીને રાજ્યના કોરોના રસીકરણ અભિયાનને વ્યાપક બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત પાસે હાલ 13 લાખ ડોઝનો જથ્થો ઉપલબ્ધ છે. આ રીતે રસીકરણ ચાલું રહેશે તો ગુજરાતમાં ઝડપથી રસીકરણની કામગીરી પૂર્ણ થશે. કેટલાક વેપારીઓ રસી લેતા નહીં હોવાના મુદ્દે તેમણે કહ્યું હતું કે, સરકારના આટલા પ્રયત્નો પછી પણ જો કોઈ વેક્સિન ન લે તો એમાં સરકાર કે સરકારના આરોગ્ય વિભાગનો કોઈ વાંક નથી. જુદા જુદા બહાના હેઠળ કોરોના વેક્સિન નહીં લે એ નહી ચલાવી લેવામાં આવે. બધાએ વેક્સિન લેવાની છે. વેક્સિન લઈને પોતે સલામત થાય અને બીજાને પણ સલામત કરે એ જ વેક્સિનનો હેતુ છે.