Site icon Revoi.in

ગુજરાત બાર્ડ દ્વારા માર્ચમાં લેવાનારી ધો.10 અને 12ની પરીક્ષાના ફોર્મ હવે ટુંક સમયમાં ભરાશે

Social Share

ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 14 માર્ચથી લેવાનારી ધો.10 અને 12ની પરીક્ષાને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. શિક્ષણ બોર્ડ દ્વારા દર વર્ષે બોર્ડની પરીક્ષા માટેના વિદ્યાર્થીઓના આવેદનપત્રો ભરવામાં આવે તે પહેલાં શાળા અને શિક્ષકોનું રજિસ્ટ્રેશન કરવામાં આવતું હોય છે. આ કાર્યવાહી 12 ઓક્ટોબરથી શરૂ કરવામાં આવ્યા બાદ આ કાર્યવાહી પૂર્ણ થતાં જ હવે વિદ્યાર્થીઓના રજિસ્ટ્રેશનની કાર્યવાહી ટૂંકમાં શરૂ કરાશે. એટલે કે પરીક્ષાના ફોર્મ ભરવાનો પ્રારંભ કરાશે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-2023માં ધો.10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ લેવામાં આવશે. બોર્ડ દ્વારા સ્કૂલ રજિસ્ટ્રેશન અને પરીક્ષણ કાર્ય માટે શિક્ષક રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પૂર્ણ કરવાની ફરજિયાત હોવાથી તે અંગેની કાર્યવાહી શરૂ કરવાની જાહેરાત કરી હતી. જેમાં સ્કૂલ રજિસ્ટ્રેશન અને શિક્ષક રજિસ્ટ્રેશનની પ્રક્રિયા બોર્ડની વેબસાઈટ પર ઓનલાઈન કરવામાં આવી હતી. સ્કૂલ રજિસ્ટ્રેશન માટેની કાર્યવાહી 12 ઓક્ટોબરથી શરૂ કરવામાં આવી હતી.  આ સાથે જ શાળાનું રજિસ્ટ્રેશન પણ શરૂ કરવામાં આવ્યું હતું. આ કાર્યવાહી શરૂ થયા બાદ અત્યાર સુધી 20 દિવસ કરતા વધુ સમય થઈ ગયો છે અને હવે આ કામગીરી લગભગ પૂર્ણ થઈ ગઈ છે. આમ, હવે શિક્ષણ બોર્ડ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. બોર્ડ દ્વારા ટૂંક સમયમાં જ ધો.10 અને 12ની આગામી પરીક્ષા માટે વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન શરૂ કરાશે. શિક્ષણ બોર્ડ દ્વારા ડિસેમ્બર સુધીમાં રજિસ્ટ્રેશનની તમામ કામગીરી પૂર્ણ કરી દેવાનું આયોજન કરાયું છે અને તેના ભાગરૂપે જ હવે ટૂંક સમયમાં જ વિદ્યાર્થીઓના રજિસ્ટ્રેશન માટેની કાર્યવાહી શરૂ કરવાની જાહેરાત કરવામાં આવશે. આ કાર્યવાહી માટે શાળાઓને મુદત આપ્યા બાદ લેઈટ ફી સાથે પણ ફોર્મ સ્વીકારવાની કાર્યવાહી કરાશે.