Site icon Revoi.in

ગુજરાત ભાજપ ચૂંટણી મોડમાઃ ટિકિટ નક્કી કરવા સમિતિ બનાવી, જુના જોગીઓનો પણ સમાવેશ

Social Share

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપ આ વખતે નોરિપિટ થિયરી અપનાવીને જુના જાગીઓનો સ્થાને નવા ચહેરાઓને ટિકિટ આપે તેવી ચર્ચા પણ છે. ત્યારે  ભાજપ દ્વારા આજે 14 સભ્યોની પ્રદેશ ચૂંટણી સમિતિની જાહેરાત કરવામાં આવી છે. આ સમિતિમાં રૂપાણી સરકારમાંથી ચાર મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં વિજય રૂપાણી, નીતિન પટેલ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને જસવંતસિંહ ભાભોરનો સમાવેશ કરવામાં આવ્યો છે. તે ઉપરાંત 12 કોર ગ્રૃપના સભ્યો પણ જાહેર કરવામાં આવ્યાં છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો બંને સમિતિઓમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત વિધાનસભાની 2022ની ચૂંટણીમાં ઉમેદવારોની ટીકિટો નક્કી કરવા માટે પાર્લામેન્ટરી બોર્ડની પેનલ મળતી હોય છે. આ પેનલ દ્વારા સેન્સ પ્રક્રિયા બાદ નક્કી કરવામાં આવેલા ઉમેદવારોના નામ કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડમાં મોકલવામાં આવતાં હોય છે. ત્યાર બાદ ભાજપમાં ઉમેદવારની ટીકિટ ફાઈનલ કરવામાં આવે છે. હવે આગામી વિધાનસભાની ચૂંટણી માટે પણ ભાજપમાં 14 સભ્યોની આ સમિતિ ઉમેદવારોની સેન્સ લેશે. ભાજપે ચાર સભ્યોની શિસ્ત સમિતિની પણ જાહેરાત કરી છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, ભાજપમાં આ વખતે ટિકિટના દાવેદારોનો રાફડો ફાટે તો નવાઈ નહીં, કારણ કે, મોટાભાગના નેતાઓ સિનિયર કાર્યકર્તાઓ, તેમજ કોંગ્રેસ છોડીને આવેલા અને પોતાને અગ્રણી નેતા સમજતા કાર્યકરો પણ ટિકિટ મેળવવા માટે અત્યારથી પોતાના રાજકિય ગોડ ફાધરનો સંપર્ક કરી રહ્યા છે. ભાજપે કહેવાય છે કે એક ખાનગી સર્વે પણ કરાવ્યો છે. કઈ બેઠક પર કોણ જીતી શકે છે તેનું લિસ્ટ તૈયાર કરી દેવાયું છે. કોંગ્રેસના સબળ નેતાઓને પણ ભાજપમાં સમાવીને ટિકિટ આપવામાં આવી શકે છે. એટલે આ વખતે ભાજપમાં ટિકિટની સૌથી વધુ માથાકુટ થાય તેવી દહેશત પણ છે.