Site icon Revoi.in

ગુજરાત કોંગ્રેસ દ્વારા 10 જિલ્લાઓમાં નવા પ્રમુખો નિમાયા, ઈલેક્શન કમિટીની જાહેરાત

Social Share

અમદાવાદઃ લોકસભાની ચૂંટણી હવે ગણતરીના મહિનાઓમાં યોજાવવાની છે. ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા 10 જિલ્લાઓમાં નવા પ્રમુખોની નિમણૂકો કરવામાં આવી છે. તેમજ ઈલેક્શન કમિટીની પણ જાહેરાત કરવામાં આવી છે.

એઆઈસીસીની સુચના બાદ ગુજરાત કોંગ્રેસ દ્વારા દસ જિલ્લામાં પ્રમુખોની નિમણૂક કરી છે, જેમાં અમદાવાદમાં હિંમતસિંહ પટેલ, રાજકોટમાં લલિત વસોયા, વડોદરામાં જશપાલસિંહ પઢિયાર અને અમરેલીમાં પ્રતાપ દૂધાત, જૂનાગઢમાં ભરત અમીપરા, પંચમહાલમાં ચેતનસિંહ પરમાર, ખેડામાં ચંદ્રશેખર ડાભી, આણંદમાં વિનુભાઈ સોલંકી, નર્મદામાં પ્રફુલ પટેલ અને ડાંગમાં મુકેશ પટેલની નિમણૂક કરવામાં આવી છે. આ જાહેરાત બાદ કોંગ્રેસના પ્રદેશ કાર્યાલય રાજીવ ગાંધી ભવન ખાતે જશ્નનો માહોલ જોવા મળ્યો હતો. લાંબા સમય બાદ સંગઠનમાં ફેરફાર કરાતા કાર્યકરોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો.

પ્રદેશ કોંગ્રેસના સૂત્રોના જણાવ્યા મુજબ  રાજ્યમાં હાલ 10 જિલ્લા પ્રમુખના નામની યાદી જાહેર કરવામાં આવી છે. અને આગામી સમયમાં અન્ય શહેર અને જિલ્લાના પ્રમુખના નામની યાદી પણ જાહેર કરવામાં આવશે. આ અંગે તમામ ચર્ચા પૂર્ણ થઈ ગઈ છે. ત્યારે ગમે ત્યારે બાકી રહેલા શહેર અને જિલ્લા પ્રમુખના નામ પણ જાહેર થશે. ગુજરાત કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક ગત 26 નવેમ્બરના રોજ ગુજરાત મુલાકાતે આવ્યા હતા. આ મુલાકાત દરમિયાન તાલુકા અને જિલ્લા સ્તરના સંગઠનના નામ જાહેર કરવા અંગે ચર્ચા બાદ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ નિર્ણય થવાનાં બે જ સપ્તાહમાં કોંગ્રેસે પોતાની કમિટીની જાહેરાત કરી છે.

એઆઈસીસી દ્વારા  ગુજરાત માટે ઇલેક્શન કમિટીની જાહેરાત કરવામાં આવી છે. આ કમિટીમાં 40 સભ્યોની નિમણૂક કરવામાં આવી છે. શક્તિસિંહ ગોહિલની આગેવાની હેઠળ ઇલેક્શન કમિટીની રચના કરવામાં આવી છે, ધારાસભ્યો અને પૂર્વ ધારાસભ્યો, પૂર્વ પ્રમુખો, સિનિયર નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં અમિત ચાવડા, ભરતસિંહ સોલંકી, અર્જુન મોઢવાડિયા, જગદીશ ઠાકોર, સિદ્ધાર્થ પટેલ, અમી યાજ્ઞિક, નારાયણ રાઠવા ,દીપક બાબરિયા, મધુસૂદન મિસ્ત્રી, શૈલેષ પરમાર, લાલજી દેસાઈ, તુષાર ચૌધરી સી.જે. ચાવડા, સહિત 40 સભ્યોનો સમાવેશ કરાયો છે.