Site icon Revoi.in

ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખ સહિત પદાધિકારીઓ બદલાશેઃ જુના જોગીઓએ શરૂ કર્યું લોબીંગ

Social Share

અમદાવાદ :   ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખ, વિપક્ષના નેતા બદલાવવા માટે હોઈ કમાન્ડ દ્વારા મન્થન ચાલી રહ્યું છે. કોંગ્રેસના જુના જોગીઓ પદ મેળવવા માટે દિલ્હી લોબીંગ કરી રહ્યા છે. આમ તો ગુજરાતમાં સંગઠન પરિવર્તન માટેની જાહેરાત કરી દેવાની હતી પણ કહેવાય છે, કે,  રાજસ્થાનમાં કોંગ્રેસના કલહના કારણે ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તનનો મામલો હાલ તો વિલંબમાં પડી ગયો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત કોંગ્રેસે નવા સંગઠનની પ્રક્રિયા હાથ ધરી છે. ત્રણ વર્ષથી વધુ સમયથી સંગઠનમાં રહેલા નેતાઓને સ્થાને નવા નેતાઓને સ્થાન અપાશે. સાથે જ ત્રણ વર્ષથી તાલુકા અને શહેર પ્રમુખ રહેલા નેતાઓને પણ બદલવામાં આવશે. વર્તમાન તાલુકા અને શહેર પ્રમુખને જિલ્લા અને પ્રદેશ માળખામાં સ્થાન અપાશે. તાલુકા સ્તરેથી ગુજરાત કોંગ્રેસ પ્રમુખે સક્ષમ કાર્યકરોના નામ મંગાવ્યા છે. આમ, વર્ષ 2022ની ચૂંટણી પહેલાં સંગઠનને મજબૂત કરવા કાંગ્રેસે કવાયત હાથ ધરી છે.  ભાજપ બાદ હવે કોંગ્રેસની પણ ચૂંટણી કવાયત શરૂ થઈ છે. કોંગ્રેસના પૂર્વ પ્રમુખો અને પૂર્વ નેતા વિપક્ષની બેઠક મળશે.

ગાંધીનગરમાં નેતા વિપક્ષના નિવાસસ્થાને આ બેઠક મળશે. 2022 ચૂંટણી પહેલાની તૈયારીઓને લઈને આ બેઠકમાં ચર્ચા કરાશે. ચૂંટણી પૂર્વે લોક આંદોલન થકી સરકારની નિષ્ફળતા ઉજાગર કરવા રણનીતિ ઘડવામાં આવશે. તો આમ આદમી પાર્ટીની ગુજરાતમાં સક્રિયાતાને લઈ પણ બેઠકમાં ચર્ચા થશે. આરોગ્ય, શિક્ષણ અને મોંઘવારીના મુદ્દે લોકો વચ્ચે જવા કાર્યક્રમો ઘડશે. આ બેઠકમાં અમિત ચાવડા, પરેશ ધાનાણી, ભરતસિંહ સોલંકી, અર્જુન મોઢવાડીયા, શક્તિસિંહ ગોહિલ, સિધ્ધાર્થ પટેલ, મોહનસિંહ રાઠવા હાજર રહેશે.