Site icon Revoi.in

દક્ષિણ ભારતમાં નેવી અધિકારીની જાસુસીના કેસમાં ગુજરાત કનેકશન ખૂલ્યું, ગોધરાથી એકની ધરપકડ

Social Share

અમદાવાદઃ દક્ષિણ ભારતમાં નેવી અધિકારીની જાસુસીકાંડના તાર ગુજરાત સાથે જોડાયેલુ સામે આવતા ખળભળાટ મચી ગયો છે. આંધ્રપ્રદેશની સુરક્ષા એજન્સીએ ગુજરાતના સૌથી અશાંત મનાતા ગોધરા વિસ્તારમાં ધામા નાખીને તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. તેમજ એક મહિલા સહિત પાંચ શંકાસ્પદોની પૂછપરછ કરી હતી. સુરક્ષા એજન્સીએ આ પ્રકરણમાં ગોધરાથી એક વ્યક્તિની ધરપકડ કરી હોવાનું જાણવા મળે છે. આ શખ્સ પાકિસ્તાન માટે ભારતીય સુરક્ષાદળોની જાસુસી કરવા ઉપરાંત હવાલા મારફતે નાણાકીય લેવડ-દેવડમાં સંડોવણી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

(વધારે અને સરળતાથી ‘રિવોઈ’ સુધી પહોંચવા માટે ડાઉનલોડ કરો અમારી એપ)

https://play.google.com/store/apps/details?id=com.revoinew

પ્રાપ્ત માહિતી અનુસાર વિશાખાપટ્ટનમના નેવી ઓફિસરની જાસુસી કેસમાં ગુજરાત કનેકશન સામે આવતા આંધ્રપ્રદેશના ઈન્ટેલીઝન્સ સેલના અધિકારીઓએ ગુજરાત સુધી તપાસ લંબાવી હતી. તેમજ ગોધરામાં કેટલાક સ્થળો ઉપર દરોડા પાડીને પાંચ શંકાસ્પદોની પૂછપરછ કરી હતી. જેમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે. દરમિયાન ગોધરાના મહંમદી મહોલ્લામાં રહેતા અલ્તાફ હુસેની નામના શખસની ધરપકડ કરી હોવાનું જાણવા મળે છે. નોન બેંકીંગ ફંડના હવાલા તથા ગુપ્ત માહિતી પાકિસ્તાન મોકલી હોવાનો આરોપ અલ્તાફ ઉપર લાગ્યો છે. તેણે ભારતમાંથી કેટલાક સીમકાર્ડ મેળવીને તેની મદદથી વોટએપ એપ ડાઉનલોડ કર્યાં પછી તેના ઓટીપી પાકિસ્તાનમાં બેઠેલા પોતાના આકાઓને મોકલી આપ્યાં હતા. તેમજ ભારતીય સુરક્ષા એજન્સીઓની ગુપ્ત માહિતી પણ પાકિસ્તાન મોકલવામાં આવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. હાલ આંધ્રપ્રદેશની સુરક્ષા એજન્સીએ ગોધરામાં ધામા નાખીને ઉંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે. તેમજ આ પ્રકરણમાં આગામી દિવસોમાં હજુ ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે.

(વધારે અને સરળતાથી ‘રિવોઈ ‘સુધી પહોંચવા માટે ડાઉનલોડ કરો અમારી એપ)

https://play.google.com/store/apps/details?id=com.revoinew