Site icon Revoi.in

ગુજરાતમાં પવનની દિશા બદલાતા બે ઋતુનો અનુભવ, પરોઢે ધૂમ્મસભર્યું વાતાવરણ

Social Share

અમદાવાદઃ શિયાળાનો પોષ મહિનો પુરો થવાને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે ગુજરાતભરમાં ફરીવાર વાતાવરણમાં પલટો આવ્યો છે. પવનની દિશા બદલાતા વહેલી પરોઢે ધુમ્મસ, બપોરે ગરમી અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે, સવારે ધૂમ્મ્સને કારણે વાહનચાલકો મુશ્કેલી અનુભવી રહ્યા છે.

હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ આગામી પાંચ દિવસ લોકોને બેવડી ઋતુનો અનુભવ થશે. પવનની દિશા બદલાતા વહેલી સવારે થોડા અંશે ઠંડીનો અનુભવ થઈ શકે છે અને ધુમ્મસ ભર્યું વાતાવરણ રહેવાની શક્યતાઓ છે. આ સાથે જ બપોર બાદ તાપમાનમાં વધારો થતાં ગરમી જેવું વાતાવરણ રહેશે.

તાપમાનમાં આંશિક વધારો થતાં ઠંડીનો અનુભવ નહિવત્ પ્રમાણમાં રહેશે. તદુપરાંત પવનની દિશા બદલાતા વહેલી સવારે ધૂંધળું વાતાવરણ રહેવાની સાથે થોડા અંશે ઠંડી અનુભવાઇ શકે છે. બપોર બાદ તાપમાનમાં વધારો થતાં ગરમી જેવું વાતાવરણ રહેશે. રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં 15 ડિગ્રી સેલ્સિયસ કરતા વધુ લઘુત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.

હવામાન વિભાગના સૂત્રોએ ઉમેર્યું હતું કે,  ગુજરાતમાં આગામી પાંચ દિવસ વાતાવરણ સુકૂં રહેશે. હાલ માવઠાની કોઇ આગાહી નથી. હાલ પૂર્વિયથી ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઇ રહ્યા છે. જેના કારણે વાદળછાયું વાતાવરણ રહે તેવી પણ શક્યતા છે. ગુજરાતમાં હાલ એકસાથે બે ઋતુ અનુભવાઈ રહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યભરમાં હાલ વાદળછાયુ વાતાવરણ છે. તો બીજી તરફ ઠંડી-ગરમીની ડબલ સીઝનનો લોકો અનુભવ કરી રહ્યા છે.

આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી કરી છે. કે, સાતમી ફેબ્રુઆરી બાદ ખૂબ જ ઠંડી પડી શકે છે. પશ્ચિમી વિક્ષેપની અસરથી ઠંડી પડશે. જ્યારે માર્ચ મહિનામાં 40 ડિગ્રી આસપાસ તાપમાન રહેવાની શક્યતા છે. આગામી 5 ફેબ્રુઆરી સુધી તાપમાન ઊંચું રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. ઉત્તર ભારત પરથી પસાર થઈ રહેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે વાદળો જોવા મળી રહ્યા છે અને તેની અસરો ગુજરાતમાં જોવા મળી રહી છે પરંતુ રાજ્યમાં હાલ માવઠાની કોઈ સંભાવનાઓ દેખાઈ રહી નથી. પાંચમી ફેબ્રુઆરી પછી કડકડતી ઠંડીનો રાઉન્ડ આવી શકે છે.